મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: આશા ભોંસલેના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર, આજે સાંજે રાજકિય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી ભારતીય સિનેમા અને સંગીત જગતમાં શોકની લહેર

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી ભારતીય સિનેમા અને સંગીત જગતમાં શોકની લહેર છે. સિંગરે રવિવારે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને છાતીમાં ઇન્ફેક્શનને કારણે શનિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહીં. સાત દાયકા સુધી પોતાના અવાજનો જાદુ પાથરનાર 'આશા તાઈ'ના નિધન પર સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સહિત સિનેમા જગતની તમામ મોટી હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

આશા ભોંસલેના પુત્ર આનંદ ભોંસલેએ જાણકારી આપી કે સોમવારે સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી 'કાસા ગ્રાન્ડ લોઅર બિલ્ડિંગ' ખાતે લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશા ભોસલેના બહેન અને સ્વર કોકિલા લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પણ આ જ પાર્કમાં કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને પણ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.

આશા ભોંસલેના પુત્રએ ફેન્સને કરી અપીલ

આશા ભોંસલેની અંતિમ વિદાયને લઈને તેમના પુત્ર આનંદ ભોસલેએ ભાવુક અપીલ કરી છે. મીડિયા સાથે વાત કરતા આનંદે લોકોને વિનંતી કરી છે કે શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ પર વધુ ભીડ એકઠી ન કરે. તેમણે કહ્યું કે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે ભીડ થવાની શક્યતા છે, જેનાથી અવ્યવસ્થા ફેલાઈ શકે છે. આનંદે ફેન્સ પાસે સહયોગ માંગ્યો છે જેથી અંતિમ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. પ્રશાસન પણ સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

રાજકીય સન્માન સાથે થશે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર,

મુંબઈના શિવાજી પાર્કમાં સ્વર કોકિલા આશા ભોસલેના અંતિમ સંસ્કારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રશાસન તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. સંગીત જગત અને રાજકારણની મોટી હસ્તીઓની સાથે હજારો ચાહકો પોતાની પ્રિય ગાયિકાને અંતિમ વિદાય આપવા પહોંચી રહ્યા છે.

આશા ભોંસલેના નિધનથી શ્રદ્ધા કપૂર ભાંગી પડી

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ખૂબ જ દુઃખી છે. પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો. તેણે પોતાની સ્ટોરી પર કંઈપણ લખ્યા વગર માત્ર એક તૂટેલા દિલનું ઈમોજી શેર કર્યું છે. શબ્દો વિના શેર કરવામાં આવેલું આ દુઃખ દર્શાવે છે કે આશા તાઈનું જવું તેના માટે કેટલી મોટી વ્યક્તિગત ખોટ છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાની આ પોસ્ટ ફેન્સને ભાવુક કરી રહી છે.

અંતિમ વિદાય આપવા એ.આર. રહેમાન સહિત અન્ય કલાકારો પહોંચ્યા

મ્યુઝિક માસ્ટ્રો એ.આર. રહેમાન દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને અંતિમ વિદાય આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આશા તાઈના નિધનના સમાચારથી રહેમાન ખૂબ જ દુઃખી દેખાતા હતા અને તેમણે ત્યાં પહોંચીને પોતાની પ્રિય ગાયિકાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સંગીત જગતના આ બે દિગ્ગજોનો સંબંધ ઘણો જૂનો અને ગાઢ રહ્યો છે. એ.આર. રહેમાનની સાથે મનોરંજન જગતની ઘણી અન્ય મોટી હસ્તીઓ પણ આશાના અંતિમ દર્શન માટે પહોંચી રહી છે, જેના કારણે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું છે.

આ સમાચાર શેર કરો