આસારામની મોડી રાત્રે તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ, આવ્યો આ મેડિકલ રિપોર્ટ
રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્

રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ આસારામને છાતીમાં દુઃખાવો થયો હતો. પરંતુ ચેકઅપ કરીને પરત જેલમાં મોકલી દેવાયા હતા.
ગુરુવારે મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે આસારામની તબિયત બગડતાં જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ ICUમાં રાખવામાં આવ્યા છે. આસારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીની ઉણપ થવા સાથે હિમોગ્લોબિન 8.7 ટકા થઈ ગયું છે.
જણાવી દઈએ કે, 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. મહારાષ્ટ્રના આયુર્વેદના નિષ્ણાતે તેમની સારવાર કરી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી.
આસારામને સગીરાના યૌન શોષણના આરોપમાં જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામે જામીન અને પેરોલ બાબતે હાઈકોર્ટ લઈને સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ દાખલ કરી પરંતુ ક્યાંયથી રાહત મળી નથી.
જણાવી દઈએ કે, આસારામને પેટમાં આંતરિક રક્તસ્ત્રાવ સહિતની બીમારીની ડોક્ટરો સારવાર કરી રહ્યા છે. આ સિવાય પણ ડોક્ટરે બીજા ટેસ્ટ કર્યા છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે.








