મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અડવાણીનો નિયમ PM મોદી પર કેમ લાગુ નથી? કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા 5 સવાલ

આતિશીના મુખ્યમંત્રી પદે શપથ લીધાના એક દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જનતા વચ્ચે પહોંચ્યા છે. કેજરીવાલે દિલ્

અડવાણીનો નિયમ PM મોદી પર કેમ લાગુ નથી? કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા 5 સવાલ

આતિશીના મુખ્યમંત્રી પદે શપથ લીધાના એક દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જનતા વચ્ચે પહોંચ્યા છે. કેજરીવાલે દિલ્હીના જંતર મંતર ખાતે 'જનતા કી અદાલત' કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન AAPના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે RSSના વડા મોહન ભાગવતને કેટલાક સવાલ પૂછ્યા હતા. 

કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા પાંચ સવાલ

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, RSS કહે છે કે અમે રાષ્ટ્રવાદી અને દેશભક્ત છીએ. પુરા સમ્માન સાથે હું મોહન ભાગવતને પાંચ સવાલ પૂછવા માંગુ છું.

1- જે રીતે મોદીજી પાર્ટીઓ તોડી રહ્યાં છે અને દેશભરમાં સરકારોને લાલચ આપી અથવા ED અને CBIની ધમકી આપીને તોડી પાડે છે, શું આ યોગ્ય છે?
2- મોદીજીએ પોતાની પાર્ટીમાં સૌથી ભ્રષ્ટ નેતાઓને સામેલ કર્યા છે જેમને તે ખુદ ભ્રષ્ટ કહે છે, શું તમે આવી રાજનીતિથી સહમત છો?
3-ઓ ભાજપ RSSની કોખથી પેદા થઇ છે, ભાજપને ગુમરાહ ના થવા દેવી RSSની જવાબદારી છે, શું તમે ક્યારેય મોદીજીને ખોટા કામ કરતા રોક્યા છે?
4- લોકસભા ચૂંટણી દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું હતું કે તેમને RSSની જરૂર નથી. શું પુત્ર એટલો મોટો થઇ ગયો કે તે માતાને જ આંખો બતાવવા લાગ્યો છે? પુત્ર માતૃસંસ્થા પ્રત્યે પોતાની નારાજગી બતાવી રહ્યો છે. શું તમને દુ:ખ નથી થયું જ્યારે તેમને આવું કહ્યું?
5- તમે લોકોએ કાયદો બનાવ્યો હતો કે નેતા 75 વર્ષ પછી રિટાયર થઇ જશે..અમિત શાહ કહી રહ્યાં છે કે આ નિયમ મોદીજી પર લાગુ નથી થતો. જે વાત અડવાણી પર લાગુ થાય છે, તે મોદી પર કેમ લાગુ નથી થતી?...

કેજરીવાલે જનતા પાસે ઇમાનદારીનું સર્ટિફિકેટ માંગ્યું

અરવિંદ કેજરીવાલે જનતા પાસે પોતાની ઇમાનદારીનું સર્ટિફિકેટ પણ માંગ્યું હતું. કેજરીવાલે કહ્યું, જેમને લાગે છે કે નરેન્દ્ર મોદીએ કેજરીવાલ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું છે તે હાથ ઊંચો કરે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી. આ મારી પ્રતિષ્ઠાથી જોડાયેલું છે. જો દિલ્હીની જનતાને લાગે છે કે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર કર્યો છે તો તમે ઝાડુનું બટન ના દબાવતા, મને વોટ ના આપતા. જો તમને લાગે છે કે કેજરીવાલ ઇમાનદાર છે તો આમ આદમી પાર્ટી માટે મત આપજો. તમારો દરેક મત મારી ઇમાનદારીનું સર્ટિફિકેટ હશે.

આ સમાચાર શેર કરો