તમિલનાડુમાં વધુ એક દુર્ઘટના; નિર્માણાધીન આર્ચ શ્રમિકો પર મોત બનીને ત્રાટકી, 9 ના મોત
તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એન

તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર) ના બાંધકામ સ્થળે મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન એક આર્ચ (કમાન) તૂટી પડતાં 9 શ્રમિકના મોત અને 10 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આશરે 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન (આર્ચ) શ્રમિકો પર પડી હતી. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સૂત્રો અનુસાર, 9 શ્રમિકના મોત અને 10 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બચાવ કામગીરી પુરજોશમાં
અવાડી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આર્ચ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં બીજી એક ઘટનામાં મદુરાઈના મટ્ટુથવાની બસ સ્ટેન્ડ પર પ્રતિષ્ઠિત કમાન તોડી પાડતી વખતે એક અર્થમુવર ઓપરેટરનું મોત થયું હતું અને એક કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ કમાન 1981માં એમજી રામચંદ્રનના શાસનકાળ દરમિયાન પાંચમી વિશ્વ તમિલ પરિષદની ઉજવણી માટે બનાવવામાં આવી હતી અને તે રસ્તાના વિસ્તરણમાં અવરોધરૂપ બની રહી હતી. જેમ જેમ તોડી પાડવાનું શરૂ થયું, તેમ તેમ એક થાંભલો તૂટી પડ્યો, જેના કારણે વાહન ચાલક કચડાઈ ગયો હતો.






