મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હોર્મુઝથી પાર થયું વધુ એક ભારતીય LPG જહાજ, હર્ષ સંઘવીના ટ્વિટ પર ઈરાને મોકલ્યો ખાસ સંદેશ

અમેરિકા અને ઈરાનના સંઘર્ષ વચ્ચે તેહરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર પ્રતિબંધો લ

હોર્મુઝથી પાર થયું વધુ એક ભારતીય LPG જહાજ, હર્ષ સંઘવીના ટ્વિટ પર ઈરાને મોકલ્યો ખાસ સંદેશ
આ સમાચાર સાંભળો

અમેરિકા અને ઈરાનના સંઘર્ષ વચ્ચે તેહરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર પ્રતિબંધો લાદ્યા છે. જોકે ભારત સહિત તેના મિત્ર રાષ્ટ્રોના કેટલાક જહાજોને પસાર થવાની મંજૂરી આપી રહ્યું છે, જેનાથી ઉર્જા સંકટને અમુક અંશે દૂર કરવામાં મદદ મળી છે. હાલમાં અન્ય એક ભારતીય LPG જહાજ 'ગ્રીન સાનવી' હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયું છે. આ ટેન્કર ગુજરાતના પોર્ટ ઉપર આવશે. આ ઘટનાના સંદર્ભમાં ઈરાને એક ખાસ સંદેશ જારી કર્યો છે.

મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે ભારત - અને ખાસ કરીને ગુજરાત - અમારા સહિયારા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કોન્સ્યુલેટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં LPG ટેન્કરના પસાર થવાને ભારત માટે રાજદ્વારી વિજય ગણાવ્યો હતો.

હર્ષ સંઘવીએ X પર લખ્યું: "વધુ એક જહાજ. ભારતીય રાજદ્વારી માટે વધુ એક વિજય. LPG વાહક 'ગ્રીન સાનવી' સફળતાપૂર્વક હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ચૂક્યું છે અને હવે તે ભારતમાં પોતાના ઘરે પરત ફરી રહ્યું છે.

હર્ષ સંઘવીના ટ્વિટ ઉપર મુંબઈમાં ઈરાની કોન્સ્યુલેટે જણાવ્યું: "ભારત - અને ખાસ કરીને ગુજરાત - અમારા સહિયારા ઇતિહાસમાં ખૂબ જ આદરણીય સ્થાન ધરાવે છે, સદીઓ પહેલા અમારી ભૂમિ પરથી આવતા લોકોનું ખૂબ આદર અને આતિથ્ય સાથે સ્વાગત કર્યું હતું. સભ્યતાના આ મજબૂત બંધનોને આધાર બનાવીને અમે મિત્રતા અને સહયોગના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

આ સમાચાર શેર કરો