મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024/ મહારાષ્ટ્રમાં NDAને 10 બેઠકોનું નુકસાન,  ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થઇ શકે

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પુરા થઇ ગયા છે. અહીંયા પાંચ તબક્કામાં 48 બેઠકો ઉપર મતદાન થયું છે. હવે પરિણામોની રાહ જોવા

લોકસભા ચૂંટણી 2024/ મહારાષ્ટ્રમાં NDAને 10 બેઠકોનું નુકસાન,  ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થઇ શકે

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પુરા થઇ ગયા છે. અહીંયા પાંચ તબક્કામાં 48 બેઠકો ઉપર મતદાન થયું છે. હવે પરિણામોની રાહ જોવાઇ રહી છે ત્યારે પરિણામો અંગે વિવિધ અટકળો તેજ થઇ રહી છે. અહીંયા આ વખતે બે જૂથ આમને-સામને છે. તેમાં સમીકરણો બદલાઇ ગયેલા છે. આ વખતે NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર છે. શિવસેના અને NCPનું જે રીતે વિઘટન થયું અને NDA તથા ઇન્ડિયા સાથે જ રીતે જોડાણ થયું તેના કારણે મહારાષ્ટ્રના તમામ રાજકીય સમીકરણો ફરી ગયા છે. એક તરફ એકનાથ શિંદે અને તેમની આગેવાની હેઠળની શિવસેના છે જે ભાજપનો સાથી પક્ષ છે. બંનેની હાલમાં NDAની રાજ્ય સરકાર છે. લોકસભામાં પણ બંનેએ સાથે જ ચૂંટણી લડી છે. તેમની સાથે NCP પણ છે. અજીત પવાર પાસેની પાર્ટી છે. આ રીતે NDAના ત્રણેય ઘટકો બદલાયેલા છે. બીજી તરફ રાજ્યની સત્તા ગુમાવનારા ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના તથા NCP અને કોંગ્રેસ છે. અહીંયા NCPનું નેતૃત્ત્વ શરદ પવાર કરી રહ્યા છે. 

રાજકીય રીતે શિવસેના અને NCP વિખરાઇ જવાના કારણે કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ મનમેળ રહ્યા નહોતા. તેના પગલે લોકસભામાં પણ નક્કર મુદ્દા અને કામગીરીના બદલે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપની જ ભાષણબાજી ચાલી હતી. અહીંયા જે મુદ્દા છે તેના વિશે ખાસ કોઇ વાત કરવામાં આવી નહોતી. બીજી તરફ સ્થાનિકોની જે સામુદાયિક અને અન્ય માગણીઓ છે તેના કારણે પણ વ્યાપક નારાજગી હોય તેવું લાગે છે. અહીંયા સૌથી પહેલાં તો મરાઠાઓની નારાજગીનો જ પ્રશ્ન વ્યાપક હોય તેવું દેખાઇ રહ્યું છે. અહીંયા 28 ટકા વસતી મરાઠાઓની છે. તેઓને લાગી રહ્યું છે કે, NDA સાથેના જોડાણ બાદ મરાઠાઓને અન્યાય થઇ રહ્યો છે. તેઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. અહીંયા મરાઠા અનામતનો મુદ્દો પણ ગાયબ થઇ ગયો છે. તે ઉપરાંત ખેડૂતોમાં પણ વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. કૃષિ સંકટ અને MSP ઉપરાંત ખેડૂત આંદોલનની મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વ્યાપક અસર છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, હાલમાં NDA સામે વાંધો તો દેખાઇ રહ્યો છે પણ ખરેખર મત ગણતરી થાય ત્યારે જ સાચું દ્રશ્ય ઊભું થાય તેમ છે. તેમ છતાં હાલમાં ચૂંટણી દરમિયાન જે રાજકીય અને સામાજિક વાતાવરણ જોવા મળ્યું તે અણસાર આપે છે કે, NDAને આ ચૂંટણીમાં અંદાજે 10 બેઠકોનું નુકસાન જશે અને ઇન્ડિયા ગઠબંધનને 10 બેઠકોનો ફાયદો થઇ શકે છે.

મરાઠા સમુદાયની નારાજગી ભારે પડી શકે

રાજકીય જાણકારોના મતે મહારાષ્ટ્રમાં મરાઠાઓની નારાજગી આ વખતે વધારે જોવા મળી રહી છે. વિવિધ મુદ્દે મરાઠા સમુદાય દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના મતે અહીંયા મરાઠાઓની વસ્તી 28 ટકા છે. અહીંયા આજે પણ મરાઠા અનામતની વાતો ચાલી રહી છે. મરાઠાઓ દ્વારા અનામતનુ અભિયાન અધુરૂં છોડાયું નથી. સમયાંતરે આ મુદ્દો તુલ પકડતો રહે છે. તે ઉપરાંત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સહકારી મંડળીઓ નબળી પાડવામાં આવી છે. મરાઠાઓ માને છે કે, આ ક્ષેત્રમાં ભાજપનો પગપેસારો થયા બાદ ભાજપે આ સેક્ટરમાં મરાઠાઓને નબળા પાડ્યા છે. સહકારી બેન્કો, ક્ષેત્રો અને કૃષિ સહકારી ક્ષેત્રોમાં અન્ય સંગઠનો અને સમુદાયોને નબળા પાડવાનું કામ થઇ રહ્યું છે. આ ઉપરાંત ગણા જિલ્લાઓમાં કૃષિ સંકટ છે. આ સંકટનો કોઇ ઉકેલ આવતો જ નથી. તે ઉપરાંત રાજકીય રીતે પણ મરાઠાઓને ખાસ અવસર આપવામાં આવતો નથી. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જે મુખ્યમંત્રીઓ થયાં તેમાં મરાઠાઓને પ્રાધ્યાન્ય મળતું હતું પણ હવે તેમાં પણ ઘટાડો કરી દેવાયો છે. રાજકીય, આર્થિક અને કોઇ પણ મુદ્દે મરાઠાઓને મજબૂત રહેવા દેવાયા નથી. આ નારાજગી પરિણામ પલટી શકે છે.

અનામત મુદ્દે પણ રાજકીય વાતાવરણ ગરમાયેલું છે

મહારાષ્ટ્રમાં મરાઠાઓને રાજકીય મહત્ત્વની સાથે સાથે સામાજિક લાભ પણ વધારે જોઇએ છે. આ મુદ્દો પણ ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. મરાઠાઓ દ્વારા ઓબીસીમાંથી અનામતનો લાભ મેળવવાની કવાયત ચાલી રહી છે. ઓબીસી ક્વોટામાંથી મરાઠાઓને 28 ટકા જેટલી અનામત ઇચ્છી રહ્યા છે. આ કારણે મરાઠાઓ અને ઓબીસી સમુદાય ઘણા સમયથી આમને-સામને છે. આ સામાજિક સ્થિતિનો લાભ કઇ રાજકીય પાર્ટીને મળશે તે હાલમાં સ્પષ્ટ નથી. ઓબીસી દ્વારા ભાજપને તો સમર્થન આપવામાં આવેલું જ છે અને ભાજપ દ્વારા છેલ્લાં ચાર દાયકાથી મરાઠાઓને પણ ભાજપે પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરેલા છે. અનામત મુદ્દે રાજ્ય સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ વખતે બંને સમુદાયોને પોતાની સાથે રાખવા ભાજપ માટે મુશ્કેલ બની રહ્યા છે. કેટલાક રાજકીય જાણકારો માને છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે તેના કારણે ઓબીસી સમુદાય દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવે તેવી પુરતી શક્યતા છે. આ સિવાય સહકારી બેન્કોમાં અજીત પવારના સ્થાને હવે ભાજપે મરાઠાઓને તક આપી છે તેથી મરાઠાઓ પણ થોડા હળવા બને તેવું બની શકે.

મહારાષ્ટ્રમાં ભાજપનો ગ્રાફ ઉપર-નીચે થતો રહ્યો છે

લોકસભાની ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો અહીંયા કાયમ ભાજપનો ગ્રાફ ઉપર-નીચે થતો જ આવ્યો છે. ભાજપના વિજયમાં સાતત્ય દેખાયું નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2009માં ભાજપને જે બેઠકો મળી હતી તેની સરખામણીએ 2014માં મોટો ઉછાળો આવ્યો હતો. તે સમયે ભાજપ છવાઇ ગયું હતું. ત્યારબાદ 2019માં ભાજપનો ગ્રાફ પાછો નીચે જતો જોવા મળ્યો હતો. તેના કારણે જ ભાજપને ચિંતા થઇ રહી છે. તેનો ગ્રાફ પાછો નીચે આવી રહ્યો છે. વોટ શેરિંગમાં પણ આવા ઉતાર ચડાવ જોવા મળ્યા હતા. ગત લોકસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો તેમાં ભાજપને 23 બેઠકો મળી હતી. શિવસેનાના ભાગે 18 બેઠકો, NCPને 4 જ્યારે કોંગ્રેસને તો માત્ર 1 જ બેઠક મળી હતી. NDA પાસે 48માંથી 41 બેઠકો હતી અને યુપીએ પાસે માત્ર પાંચ બેઠકો હતી. આ વખતે સમીકરણ બદલાયા છે. આ લોકસભામાં ભાજપ દ્વારા 25 બેઠકો ઉપર, એકનાથ શિંદેની શિવસેના દ્વારા 15 બેઠકો ઉપર, એનસીપી દ્વારા પાંચ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રખાયા છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઘટકોમાં કોંગ્રેસ દ્વારા 17 બેઠકો ઉપર, ઉદ્ધવ જૂથ શિવસેના દ્વારા 21 બેઠકો ઉપર અને શરદ પવારની એનસીપી દ્વારા 10 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024/ પંજાબમાં ભાજપને ત્રણ બેઠકથી વધારે મળી જ નથી

ઘણા પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને આપી દેવાયા

મહારાષ્ટ્રના ઘણા બુદ્ધિજીવી માની રહ્યાં છે કે, ભાજપ દ્વારા મોટા પ્રોજેક્ટ આપવા મામલે પણ મહારાષ્ટ્ર સાથ અન્યાય કરવામાં આવે છે. છેલ્લાં એક દાયકામાં ઘણા પ્રોજેક્ટ મહારાષ્ટ્રને મળે તેવા હતા પણ તે ગુજરાતને આપી દેવાયા છે. તેમાંય છેલ્લા ચાર વર્ષના ઇતિહાસ ઉપર નજર કરીએ તો દિલ્હીથી ઘણા પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને આપી દેવાયા હતા. આ કારણે ઉદ્યોગજૂથો અને સમૂહો નારાજ છે. બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં પણ મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતને વધારે લાભ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ડુંગળી મુદ્દે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતના ખેડૂતોને પ્રાધાન્ય અપાતા મહારાષ્ટ્રમાં નારાજગી ફેલાઇ હતી. ખેડૂતો માની રહ્યા છે કે, કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં મહારાષ્ટ્રમાંથી ઘણા ખેડૂતોએ ભાગ લીધો હતો તેના કારણે જ ખેડૂતોને કેન્દ્ર દ્વારા ડુંગળી મુદ્દે સજા આપવામાં આવી રહી છે. આ વખતે કૃષિ સંકટ વધારે ગંભીર થયું છે ત્યારે ખેડૂતો પણ હવે વળતી લડત આપવા માટે સજ્જ છે. આ સંજોગોમાં ખેડૂતો અને મરાઠાઓ તથા બુદ્ધિજીવીઓ દ્વાર કોને વોટ આપવામાં આવશે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે.

આ સમાચાર શેર કરો