મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Budget 2026 : ખેતી માટે AI ટૂલ-'હાઈ વેલ્યૂ ક્રોપ' માં આત્મનિર્ભરતા, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026નું બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મ

Budget 2026 : ખેતી માટે AI ટૂલ-'હાઈ વેલ્યૂ ક્રોપ' માં આત્મનિર્ભરતા, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026નું બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકારે હવે પરંપરાગત ખેતીની સાથે 'હાઈ વેલ્યૂ ક્રોપ' (ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો) અને આધુનિક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે ખેતીમાં વિજ્ઞાનનો સમન્વય કરતા બે મોટી પહેલ કરી છે. કૃષિ ઉત્પાદકતા વધારવા અને રોગ-જીવાતની સચોટ આગાહી માટે ખેતીમાં AI  (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, "નાળિયેર ઉત્પાદનમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે, હું 'નાળિયેર સંવર્ધન યોજના'નો પ્રસ્તાવ મૂકું છું, જેથી વિવિધ પદ્ધતિઓ દ્વારા ઉત્પાદન વધારી શકાય અને ઉત્પાદકતામાં સુધારો કરી શકાય. આ યોજનામાં મુખ્ય નાળિયેર ઉત્પાદક રાજ્યોમાં નકામા થઈ ગયેલા વૃક્ષોની જગ્યાએ નવી જાતના છોડ વાવવાનો સમાવેશ થાય છે.

ભારતીય કાજુ અને કોકો માટે એક વિશેષ કાર્યક્રમનો પ્રસ્તાવ છે, જેથી ભારત કાચા કાજુ અને નાળિયેરના ઉત્પાદન તથા પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બની શકે, નિકાસની ક્ષમતા વધે અને 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડમાં ફેરવી શકાય.

આ ઉપરાંત, દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો. ભારતને મેડિકલ ટૂરિઝમ હબ તરીકે પ્રોત્સાહન આપવા માટે રાજ્યોની મદદથી દેશમાં 5 પ્રાદેશિક મેડિકલ ટૂરિઝમ હબ સ્થાપવાની યોજના લાવવામાં આવશે.

સેવા ક્ષેત્રને વિકસિત ભારતનું મુખ્ય એન્જિન બનાવવા માટે ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઈઝ’ પર એક ઉચ્ચ સ્તરીય સ્થાયી સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ છે, જેનું લક્ષ્ય 2047 સુધીમાં સેવાઓમાં ભારતનો 10 ટકા વૈશ્વિક હિસ્સો સુનિશ્ચિત કરવાનો છે. આ સમિતિ વિકાસ, રોજગાર અને નિકાસની શક્યતાઓને પ્રાથમિકતા આપશે અને AI સહિતની ઉભરતી ટેકનોલોજીની રોજગાર અને કૌશલ્ય પર પડતી અસરનું મૂલ્યાંકન કરીને ભલામણો કરશે.

રોકાણને પ્રોત્સાહન આપવા માટે વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ લિસ્ટેડ ભારતીય કંપનીઓના ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે અને તેમની રોકાણ મર્યાદા 5 ટકાથી વધારીને 10 ટકા કરવાનો પ્રસ્તાવ છે. વિકસિત ભારત માટે બેંકિંગ સેક્ટરને નવી વિકાસ યાત્રાને અનુરૂપ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બેંકિંગ પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે નાણાકીય સ્થિરતા, સમાવેશીતા અને ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક સમીક્ષા કરશે.

પર્યાવરણને અનુકૂળ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર - મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડી વિકસાવવામાં આવશે. આ સાથે જ 2026-27માં જાહેર મૂડી ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો