Delhi air pollution: AAP નેતાઓ જાણીજોઈને કચરો સળગાવી રહ્યા છે, પ્રદૂષણ ફેલાવવા મુદ્દે પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આમ આદમી પાર્ટી

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આમ આદમી પાર્ટી (AAP) પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા માટે AAPના નેતાઓ અને કાઉન્સિલરો જાણીજોઈને વિવિધ સ્થળોએ કચરો સળગાવી રહ્યા છે. તેઓ ગંદી રાજનીતિ રમી દિલ્હીના બાળકોના શ્વાસ સાથે રમત રમી રહ્યા છે.’
કેજરીવાલને હાથ જોડીને વિનંતી
સિરસાએ આંકડાકીય માહિતી આપતા કહ્યું કે, ‘ગત વર્ષે 27 ડિસેમ્બર સુધી AQI 450ની આસપાસ હતો, જેની સરખામણીએ હાલની સરકાર સ્થિતિ સુધારવા સતત પ્રયત્ન કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, દિલ્હીએ તમને 10 વર્ષ સુધી સત્તા આપી છે, ત્યારે હવે આવી રીતે કચરો સળગાવીને પ્રદૂષણ વધારવાનું કાવતરું ન કરવું જોઈએ. AAPના નેતાઓ આગ લગાડીને વિડિયો બનાવી રહ્યા છે, જેથી સરકારને પ્રદૂષણના મુદ્દે ઘેરી શકાય.’
ટ્રાફિક હોટસ્પોટ શોધવા ગૂગલ મેપ્સની મદદ લેવાશે
પ્રદૂષણ નિયંત્રણ માટેના નવા આયોજન અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, ‘દિલ્હી સરકાર હવે Google Maps અને MapmyIndia સાથે જોડાણ કરવા જઈ રહી છે. આ ટેકનોલોજીની મદદથી છેલ્લા 2-3 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને દિલ્હીના એવા 100 નવા ટ્રાફિક હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવશે જ્યાં સૌથી વધુ જામ સર્જાય છે. ટ્રાફિકના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે આ સ્થળો પર યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવશે.’
જનતાની ભાગીદારીથી પ્રદૂષણ સામે યુદ્ધ
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં સરકાર પ્રદૂષણ સામે જંગ લડી રહી છે. દિલ્હીની જનતા હવે AAP ની આવી નૌટંકી અને પ્રદૂષણ ફેલાવવાના કાવતરાને સહન નહીં કરે. સરકાર જનતાની ભાગીદારી સાથે દિલ્હીની હવાને સાફ કરવા માટે મક્કમ છે અને પ્રદૂષણ વધારનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






