7 વર્ષ સુધી બાળકની સારવાર કરતો રહ્યો 'નકલી સ્પેશિયાલિસ્ટ'! એક RTI એ ખોલી MBBS ડોક્ટરની પોલ, હવે ચૂકવવો પડશે ₹2.22 લાખનો દંડ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જિલ્લા ગ્રાહક સુરક્ષા આયોગે તબીબી બેદરકારી અને ખોટી ઓળખ આપવાના મામલે એક ડોક્ટર વિરુદ્ધ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. ડર્મેટોલોજી (ત્વચા રોગ નિષ્ણાત) ની ડિગ્રી ન હોવા છતાં પોતાની જાતને સ્પેશિયાલિસ્ટ ગણાવીને 7 વર્ષ સુધી એક બાળકની સારવાર કરનાર MBBS ડોક્ટરને આયોગે કુલ ₹2.22 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
2018 થી 2025 સુધી સારવાર છતાં ન થઈ કોઈ અસર
આ સમગ્ર મામલો ગ્વાલિયરના ઘાસમંડી વિસ્તારનો છે. બાળકના પિતા મોનુ રાઠોરના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં તેમના પુત્રના માથા પર વાળ ન આવવાની સમસ્યાને કારણે તેમણે ડોક્ટર કુલદીપ સક્સેનાનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરે બાળકની સારવાર શરૂ કરી હતી અને દર છ મહિને દવાઓ આપવામાં આવતી હતી. 2025 સુધી આ સારવાર ચાલી, પરંતુ બાળકને કોઈ ફાયદો થયો નહીં. પિતાનો આરોપ છે કે માથા પર નવા વાળ આવવાને બદલે પહેલાથી જે વાળ હતા તે પણ ખરી ગયા હતા.
RTI દ્વારા ખુલી ડોક્ટરની ડિગ્રીની પોલ
લાંબા સમયની સારવાર છતાં રાહત ન મળતા બાળકના પિતાને શંકા ગઈ અને તેમણે મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) કચેરીમાં માહિતી અધિકાર (RTI) હેઠળ ડોક્ટરની શૈક્ષણિક લાયકાતની વિગતો માંગી હતી. RTI ના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ડોક્ટર પાસે માત્ર MBBS ની ડિગ્રી હતી, પરંતુ ત્વચા રોગ (Dermatology) માં કોઈ ડિપ્લોમા કે સ્પેશિયાલિસ્ટ ડિગ્રીનું પ્રમાણપત્ર નહોતું. આમ છતાં, ડોક્ટરે પોતાના ક્લિનિકના બોર્ડ અને લેટરહેડ પર 'ડિપ્લોમા ઇન ડર્મેટોલોજી એન્ડ વેનેરોલોજી' લખાવ્યું હતું.
ગ્રાહક આયોગે ₹2.22 લાખનો દંડ ફટકાર્યો
બાળકના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દવાઓની આડઅસરને કારણે બાળકની આંખોની રોશની નબળી પડી છે. જોકે, આ અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા રજૂ થઈ શક્યા ન હતા. પરંતુ, ડોક્ટર પોતાની સ્પેશિયાલિસ્ટ ડિગ્રીના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લાંબા સમય સુધી ફાયદો ન થવા છતાં બાળકને અન્ય મોટી હોસ્પિટલમાં રિફર પણ કર્યું ન હતું.
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ શર્મા અને સભ્ય રેવતી રમણ મિશ્રાની બેન્ચે ડોક્ટરના આ કૃત્યને 'અયોગ્ય વ્યાપાર વ્યવહાર' ગણાવીને 45 દિવસમાં કુલ ₹2,22,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે:
-
₹2,00,000: વળતર (ક્ષતિપૂર્તિ) પેટે
-
₹20,000: માનસિક ત્રાસ બદલ
-
₹2,000: કેસના ખર્ચ પેટે
જો 45 દિવસમાં આ રકમ ચૂકવવામાં નહીં આવે, તો ફરિયાદ દાખલ થયાની તારીખથી 6% વાર્ષિક વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. બીજી તરફ, બાળકના પિતાએ ડોક્ટર સામે વધુ કડક કાર્યવાહીની માંગ સાથે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.














