'બે વર્ષથી ન નહાયા, ન પથારીમાંથી ઉઠ્યા, 99% ખતમ થઈ ચૂક્યા હતા': શાહરૂખ-સલમાન સાથે કામ કરનાર અભિનેતાની દયનીય હાલત!

'જોશ', 'લક્ષ્ય' અને 'જય હો' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ અભિનેતા શરદ કપૂર હાલમાં અત્યંત કફોડી અને દયનીય હાલતમાં જીવન વિતાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમની બદહાલ સ્થિતિનો એક વીડિયો વાયરલ થયા બાદ હવે તેમના મિત્ર અને 'બેઝુબાન ટ્રસ્ટ' નામનું ડોગ શેલ્ટર ચલાવતા હેમા ચૌધરીએ એક પોડકાસ્ટમાં અભિનેતાની હાલત અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
'બે વર્ષથી નહોતા નહાયા, પથારીમાંથી પણ નહોતા ઉઠ્યા'
હેમા ચૌધરીએ 'બોલિવૂડ કટ અનકટ' પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જણાવ્યું કે, જ્યારે તેઓ શરદ કપૂરના વિસ્તારમાં કેટલાક શ્વાનોને બચાવવા ગયા હતા, ત્યારે તેમનો સંપર્ક શરદ કપૂર સાથે થયો હતો અને તેઓ તેમના રૂમ સુધી પહોંચ્યા હતા. રૂમની અંદરની હાલત જોઈને હેમા સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે દાવો કર્યો કે શરદ કપૂર છેલ્લા બે વર્ષથી ન તો નહાયા હતા કે ન તો પથારીમાંથી બહાર નીકળ્યા હતા. તેમની સારસંભાળ રાખનારું પણ કોઈ નહોતું અને તેમની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ લગભગ 99% ખતમ થવાના આરે પહોંચી ગયા હતા.
પરિવારે પણ ફેરવી લીધું મોં?
પોડકાસ્ટમાં હેમાએ શરદ કપૂરના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે અભિનેતાના ભાઈ સાથે તેમની વાત થઈ હતી અને તેમને શરદની ગંભીર હાલત વિશે જાણ કરીને પરિવારના સાથની જરૂર હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ પરિવાર તરફથી કોઈ જવાબ કે ફોન આવ્યો નહીં. હેમાએ પરિવાર વચ્ચે કોઈ મિલકત વિવાદ કે મતભેદ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
અંગત જીવન અને માનસિક સ્થિતિ અંગે ખુલાસા
હેમા ચૌધરીએ શરદ કપૂરના અંગત જીવન વિશે વાત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં તેમની સગાઈ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુની પુત્રી કોયલ બસુ સાથે થઈ હતી, પરંતુ તેમના લગ્ન થઈ શક્યા ન હતા. હાલમાં તેઓ કોઈ રિલેશનશિપમાં છે, પરંતુ તેમના પાર્ટનર પણ તેમની સંભાળ રાખી શકે તેવી સ્થિતિમાં નથી. હેમાએ અભિનેતાની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, હાલ તેમને નવા પ્રોજેક્ટ્સ વિચારવાને બદલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની તાતી જરૂર છે.
સલમાન ખાન અને સોનુ સૂદ આવ્યા મદદે આ અગાઉ શરદ કપૂરે એક વીડિયો દ્વારા મદદના નામે રીલ્સ અને વીડિયો બનાવીને પૈસા પાછા લઈ લેનારા લોકો સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, તેમની આ કપરી પરિસ્થિતિ સામે આવ્યા બાદ હવે સલમાન ખાન અને સોનુ સૂદ સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ તેમની મદદ માટે આગળ આવી છે.









