‘માતૃભૂમિ’ની રિલીઝ પહેલા સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ, આખી ટીમને ગિફ્ટ કરી લાખોની લક્ઝરી ઘડિયાળ!

‘માતૃભૂમિ’ની રિલીઝ પહેલા સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ, આખી ટીમને ગિફ્ટ કરી લાખોની લક્ઝરી ઘડિયાળ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મોટા પડદા પર સલમાન ખાનની દમદાર વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ’ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી આ ફિલ્મ કોઈ ને કોઈ કારણોસર અટવાયેલી હતી. એવામાં હવે તેની રિલીઝને લઈને ખુદ સલમાન ખાન પણ ઘણા ઉત્સાહિત છે. આ ખુશીની વચ્ચે ભાઈજાને પોતાની ફિલ્મની ટીમને એક શાનદાર ગિફ્ટ આપી છે, જેની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.

સલમાન ખાન હંમેશાં પોતાની દરિયાદિલી બતાવવા માટે જાણીતા છે. 12 નવેમ્બરે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું. જેના બે દિવસ બાદ સલમાને ‘માતૃભૂમિ’ની આખી ટીમ માટે પોતાના પનવેલ ફાર્મહાઉસ પર એક ખાસ ગેટ-ટુગેધર રાખ્યું હતું. ટીમના સભ્યોને પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ મીટિંગ ફિલ્મના પ્રમોશનના પ્લાનિંગ માટે છે. પરંતુ જ્યારે બધા ત્યાં પહોંચ્યા, ત્યારે ત્યાં કોઈ મીટિંગ નહોતી, પરંતુ એક સરપ્રાઈઝ પાર્ટી અને મોંઘી ગિફ્ટ્સ તેમની રાહ જોઈ રહી હતી.

જાહેરાત

સલમાને આખી ટીમને આપ્યું સરપ્રાઈઝ

રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાને 'માતૃભૂમિ'ની કાસ્ટ અને ક્રૂના અંદાજે 20થી 25 લોકોને ખાસ ભેટ આપી છે, જેમાં મોંઘી સ્વિસ લક્ઝરી ઘડિયાળો સામેલ છે. આ ઘડિયાળોની કિંમત 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયા સુધીની હોવાનું કહેવાય છે. ભાઈજાને પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ બ્રાન્ડ્સ પસંદ કરી હતી. ટીમના પુરુષ સભ્યોને લોંગિન્સ (Longines) અને ટેગ હ્યુઅર (TAG Heuer)ની ઘડિયાળો આપવામાં આવી, જ્યારે મહિલા સભ્યોને રાડો (Rado)ની ઘડિયાળો ગિફ્ટમાં મળી છે.

આ ખાસ અવસરે ડિરેક્ટર અપૂર્વ લાખિયા, અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, અંકુર ભાટિયા અને લેખક ચિંતન શાહ સહિત આખી ટીમ ત્યાં હાજર હતી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું નામ પહેલા ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું, જેને બાદમાં બદલીને ‘માતૃભૂમિ’ કરી દેવામાં આવ્યું. વીએફએક્સ (VFX)ના કામ અને ચિત્રાંગદા સિંહની ઈજાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત પાછી ઠેલાઈ હતી. જો કે, હવે ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર છે અને સેન્સર બોર્ડે પણ તેને કોઈ પણ કટ વગર પાસ કરી દીધી છે. 4 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહેલા આ વોર ડ્રામાની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત