મનોરંજનથી આગળ સ્વાભિમાનની લડાઈ, શ્રદ્ધા કપૂરની 'ઈથા'નું ટ્રેલર થયું રિલીઝ

'સ્ત્રી 2'ની જબરદસ્ત સફળતા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફરી એકવાર મોટા પડદા પર એકદમ અલગ અને શક્તિશાળી અવતારમાં જોવા મળવાની છે. તેની આગામી ફિલ્મ 'ઈથા' (Eetha)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેણે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
મેડોક ફિલ્મ્સ અને કઠપુતળી ક્રિએશન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રની લોકકલા 'લાવણી' અને 'તમાશા'ની દુનિયામાં પોતાની અદભુત કળાનું પ્રદર્શન કરતી જોવા મળશે. ટ્રેલરમાં મંચ પર થિરકતાં પગલાં, ચહેરા પર અતૂટ આત્મવિશ્વાસ અને સમાજની રૂઢિઓ તોડીને પોતાની અલગ ઓળખ બનાવવાનો જુસ્સો સ્પષ્ટ જોવા મળે છે.
ટ્રેલર જોઈને એક વાત સ્પષ્ટ થાય છે કે આ માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી, પરંતુ એક એવી કલાકારની કહાની છે, જેના માટે કલા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી, પરંતુ તેના અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ છે.
વિથાબાઈ નારાયણગાંવકરથી પ્રેરિત છે શ્રદ્ધાનો રોલ
ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનું પાત્ર મહારાષ્ટ્રની જાણીતી લાવણી સમ્રાજ્ઞી વિથાબાઈ નારાયણગાંવકરના જીવન અને સંઘર્ષોથી પ્રેરિત છે. 'સ્ત્રી 2' પછી પિરિયડ ડ્રામા આધારિત ફિલ્મમાં શ્રદ્ધાને જોવી તેમના ચાહકો માટે કોઈ સરપ્રાઇઝથી ઓછી નથી.
શ્રદ્ધાનો આ લુક અનોખો
નવવારી સાડી, હાથમાં લીલી બંગડીઓ, ગળામાં પરંપરાગત ઘરેણાં અને લાવણીનો અનોખો અંદાજ...શ્રદ્ધાનો આ લુક દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
'ઈથા'ની સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ લાવણી અને તમાશાને માત્ર નૃત્ય-સંગીત કે મનોરંજનના સ્વરૂપમાં રજૂ કરતી નથી. પરંતુ લાવણી કલાકારોની સખત મહેનત, તેમના સંઘર્ષો અને સમાજમાં તેમને મળતા માન-સન્માન અથવા તેની ઉણપની કડવી વાસ્તવિકતા પણ રજૂ કરે છે.
અજય-અતુલનું દમદાર સંગીત
ફિલ્મના સંગીતની જવાબદારી જાણીતી સંગીતકાર જોડી અજય-અતુલે સંભાળી છે, જ્યારે ગીતોની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. આથી દર્શકોને પરંપરાગત લાવણી સંગીત અને શાનદાર નૃત્યપ્રસ્તુતિનો અદ્ભુત સંગમ જોવા મળશે.
ટ્રેલરમાં રણદીપ હુડાનો પણ એકદમ અલગ અને દમદાર અંદાજ જોવા મળે છે. ઉપરાંત મોહમ્મદ ઝીશાન અય્યુબ, અનંત જોશી અને સિદ્ધાર્થ જાધવ જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 'ઈથા' 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.









