Panchayat Season 5 Release Date: પ્રાઇમ વિડિયોએ જાહેર કરી નવી તારીખ, આ દિવસે થશે ફુલેરામાં ધમાલ

ફુલેરા ગામની ગલીઓમાં ફરી એકવાર રોનક પાછી ફરવાની છે. જો તમે પણ સચિવજી, પ્રધાનજી અને બનરાકસ વચ્ચેની મજેદાર નોકઝોકને મિસ કરી રહ્યા હતા, તો તમારા માટે ખુશખબર છે. પ્રાઇમ વિડિયોએ પોતાની લોકપ્રિય ગ્રામીણ કોમેડી સિરીઝ ‘પંચાયત’ની પાંચમી સીઝનની જાહેરાત કરી દીધી છે. ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ નવી સીઝન આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.
મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત સાથે સિરીઝનું નવું પોસ્ટર પણ જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં ફુલેરા ગામની જાણીતા બેકગ્રાઉન્ડ સામે સિરીઝના તમામ મુખ્ય કલાકારો જોવા મળી રહ્યા છે.
પોસ્ટર શેર કરીને આપી મોટી ખુશખબર
પ્રાઇમ વિડિયોએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘પંચાયત સીઝન 5’નું નવું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટ જાહેર કરી છે. પોસ્ટર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘થોડો ટકરાવ થશે અને થોડો પ્રેમ પણ; ફુલેરા તમારી રાહ જોઈ રહ્યું હશે. #PanchayatOnPrime, નવી સીઝન, 3 ડિસેમ્બર.’
આ જાહેરાત બાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. નવી સીઝનમાં ફરી એકવાર જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા અને અશોક પાઠક જેવા કલાકારો પોતાના જૂના અને લોકપ્રિય પાત્રોમાં જોવા મળશે.
મેકર્સે અગાઉ આપ્યો હતો મોટો ઝટકો
રસપ્રદ વાત એ છે કે થોડા સમય પહેલાં જ પ્રાઇમ વિડિયોએ એક સસ્પેન્સભરી પોસ્ટ દ્વારા ચાહકોને નિરાશ કર્યા હતા. આ પોસ્ટમાં સંકેત આપવામાં આવ્યો હતો કે ‘પંચાયત’ની આગામી સીઝન વર્ષ 2026માં રિલીઝ થઈ શકશે નહીં. તે પોસ્ટમાં ‘બનરાકસ’ એટલે કે ભૂષણ શર્માનું પાત્ર ભજવનાર દુર્ગેશ કુમારનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ તસવીર સાથે મેકર્સે લખ્યું હતું કે તેમને જણાવતા ખેદ થાય છે કે પંચાયતની આગામી સીઝન હાલમાં અટવાયેલી છે અને આ વર્ષે રિલીઝ થશે નહીં. જોકે, હવે 3 ડિસેમ્બરની તારીખ જાહેર કરીને મેકર્સે ચાહકોને મોટું સરપ્રાઇઝ આપ્યું છે.
સીઝન 5માં શું હશે ખાસ?
‘પંચાયત’ની ચોથી સીઝનના અંતમાં ફુલેરાની રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ચૂંટણીમાં રઘુબીર યાદવ એટલે કે પ્રધાનજી અને નીના ગુપ્તા એટલે કે મંજુ દેવીને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમની સત્તા છીનવાઈ ગઈ હતી. તેમની જગ્યાએ સુનીતા રાજવારનું પાત્ર ક્રાંતિ દેવી ગામનાં નવા પ્રધાન બન્યાં હતાં. તેમને તેમના પતિ બનરાકસનો પણ પૂરો સાથ મળ્યો હતો.
હવે પાંચમી સીઝનની વાર્તા આ જ સત્તા પરિવર્તનની આસપાસ ફરતી જોવા મળશે. નવા અને બદલાની ભાવના ધરાવતા નેતૃત્વ હેઠળ સચિવજી એટલે કે અભિષેક ત્રિપાઠી માટે કામ કરવું ઘણું મુશ્કેલ બની શકે છે. એક તરફ ચૂંટણીનાં પરિણામો બાદ પ્રધાનજીના બદલાયેલા જીવનની ઝલક જોવા મળશે, તો બીજી તરફ અભિષેક ગામનાં અધૂરાં કામ પૂર્ણ કરીને પોતાનું MBAનું સપનું પૂરું કરવાની તૈયારી કરતો જોવા મળશે.
‘પંચાયત’ની અત્યાર સુધીની શાનદાર સફર
વર્ષ 2020માં શરૂ થયેલી આ સિરીઝે પોતાની સાદગી અને દેશી અંદાજથી દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ફુલેરા ગામ અને તેના મજેદાર પાત્રોએ શરૂઆતથી જ દર્શકોને પોતાની સાથે જોડી રાખ્યા છે. ‘પંચાયત’ની પ્રથમ સીઝન 3 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થઈ હતી. ત્યારબાદ બીજી સીઝન 18 મે 2022ના રોજ આવી હતી, જેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.
ત્રીજી સીઝન માટે ચાહકોએ લાંબી રાહ જોવી પડી હતી અને તે 28 મે 2024ના રોજ સ્ટ્રીમ થઈ હતી. ત્યારબાદ ચોથી સીઝનમાં આવેલા મોટા રાજકીય વળાંકે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી હતી. હવે પાંચમી સીઝનની જાહેરાત સાથે જ ચાહકોની નજર 3 ડિસેમ્બર પર ટકેલી છે. જોવાનું રસપ્રદ રહેશે કે ફુલેરામાં સત્તા પરિવર્તન બાદ સચિવજી, પ્રધાનજી અને બનરાકસ વચ્ચે કેવા નવા ડ્રામા અને મજેદાર ટકરાવ જોવા મળશે.












