'બેબી ડૉલ' ફેમ સિંગર કનિકા કપૂરના બીજા લગ્ન પણ તૂટ્યા: પતિ ગૌતમ હથીરમાણીથી અલગ થવાની કરી જાહેરાત

બેબી ડૉલ' અને 'ચિટ્ટિયાં કલાઈયાં' જેવા સુપરહિટ બોલિવૂડ ગીતોથી જાણીતી થયેલી 48 વર્ષીય સિંગર કનિકા કપૂરના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. લગ્નના ચાર વર્ષ બાદ તેમણે પતિ ગૌતમ હથીરમાણીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. કનિકાએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને ગૌતમ સાથેના સંબંધો અંત લાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી અને ચાહકો તેમજ મીડિયાને તેમની પ્રાઈવસી જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા અલગ થવાની કરી જાહેરાત
કનિકા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ શેર કરતા લખ્યું હતું કે, 'પ્રિય મિત્રો અને પરિવારજનો, ભારે વિચાર-વિમર્શ બાદ મેં અને મારા પતિએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે જે સમય વિતાવ્યો છે તે માટે હું આભારી છું અને તેમના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. હું આપ સૌને અમારી પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરું છું.' જોકે, કનિકાએ અલગ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું નથી.

એનઆરઆઈ ગૌતમ હથીરમાણી સાથે 2022માં કર્યા હતા લગ્ન
કનિકા કપૂર લંડનના બિઝનેસમેન ગૌતમ હથીરમાણીને છેલ્લા 15 વર્ષથી ઓળખતી હતી અને બંને સારા મિત્રો હતા. લાંબા સમયની ડેટિંગ બાદ ઓગસ્ટ 2021માં ગૌતમે કનિકાને પ્રોપોઝ કર્યું હતું. ત્યારબાદ 20 મે 2022ના રોજ લંડનમાં એક ખાનગી સમારંભમાં બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રસંગે કનિકાનો પુત્ર યુવરાજ તેમને મંડપ સુધી દોરી ગયો હતો, જ્યારે પુત્રીઓ આયાના અને સમારા ફેરા વખતે સાથે રહી હતી.
પ્રથમ પતિ રાજ ચંડોક સાથે 2012માં થયા હતા છૂટાછેડા
કનિકા કપૂરના આ બીજા લગ્ન હતા. અગાઉ 1999માં માત્ર 21 વર્ષની ઉંમરે તેના લગ્ન એનઆરઆઈ ડોક્ટર રાજ ચંડોક સાથે થયા હતા અને તે લંડન શિફ્ટ થઈ ગઈ હતી. પ્રથમ લગ્નથી કનિકાને ત્રણ બાળકો (બે પુત્રીઓ આયાના અને સમારા તથા એક પુત્ર યુવરાજ) છે. જોકે, 2012માં રાજ ચંડોક સાથે છૂટાછેડા લીધા બાદ કનિકા પોતાના બાળકો સાથે લખનઉ માતા-પિતાના ઘરે પાછી આવી ગઈ હતી.
બોલિવૂડમાં હિટ ગીતો અને મ્યુઝિકલ કરિયર
લખનઉમાં જન્મેલી કનિકા કપૂરે નાની ઉંમરે જ શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું અને અનૂપ જલોટાના ભજન શોમાં પણ કામ કર્યું હતું. 2013માં 'જુગ્ની જી' ગીતથી ચર્ચામાં આવ્યા બાદ 2014માં ફિલ્મ 'રાગિણી એમએમએસ 2'ના 'બેબી ડૉલ' ગીતથી તેણે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ પછી તેણે 'લવલી', 'ચિટ્ટિયાં કલાઈયાં', 'દેશી લૂક' અને 'દા દા દસ્સે' જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે તથા સંગીત રિયાલિટી શો 'ધ વોઈસ'માં જજ તરીકે પણ ભૂમિકા ભજવી છે.






