TOP 10 NEWS Today: ગુજરાત-દેશ-વિદેશના 10 મહત્ત્વપૂર્ણ સમાચાર એક સાથે વાંચો
રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસ

રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો હતો. સોમવારે 104 તાલુકામાં માવઠું પડ્યું હતું જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
કડી વિધાનસભામાં 376 જ્યારે વિસાવદરમાં 185 મતદારોનો વધારો
કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થવા માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે જેના ભાગરૂપે કડી અને વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે આખરી મતદાર યાદી જાહેર થઇ ગઇ છે. કડીમાં 376 મતદારોના વધારા સાથે 2.89 લાખ જ્યારે વિસાવદરમાં 185 મતદારોના વધારા સાથે 2.61 લાખ મતદાર નોંધાયા છે. કડીમાં 1.49 લાખ પુરૂષ, 1.40 લાખ મહિલા-ચાર અન્ય જ્યારે વિસાવદરમાં 1.35 લાખ પુરૂષ, 1.25 લાખ મહિલા-ચાર અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને LoC પાસે ફાયરિંગ કર્યું
5-6 મે 2025ની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા,પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારમાં નિયંત્રણ રેખાની પાર ચોકીઓ પર ઉકસાવા વગર નાના હથિયારો દ્વારા ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ યોગ્ય કાર્યવાહી કરતા જડબાતોડ જવાબ આપ્યો હતો.
બિહારના કટિહારમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં આઠ લોકોના મોત
બિહારના કટિહાર જિલ્લામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સોમવાર અને મંગળવારની રાત્રે સમેલી બ્લોક ઓફિસ પાસે અકસ્માત થયો ત્યારે કારમાં સવાર લોકો લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા.
UNની ભારત-પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી બચવા સલાહ
જમ્મુ- કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે.
યમનના હોદેઈદાહ શહેર પર ઇઝરાયલે કર્યો હુમલો
ઇઝરાયેલે યમનના હૂથી નિયંત્રિત હોદેઇદાહ શહેર પર એરસ્ટ્રાઇક કરી છે. આ હુમલો હૂથી વિદ્રોહીઓ દ્વારા ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પાસે બેલેસ્ટિક મિસાઇલ સ્ટ્રાઇકના જવાબમાં કરવામાં આવ્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ આ વાતની પૃષ્ટી કરી છે કે તેમની એરફોર્સ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.
Saudi Arabiaમાં આવ્યું રેતીનું ભયંકર તોફાન
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં રેતીનું ભારે તોફાન આવ્યું હતું, જેના કારણે આકાશ રેતીના જાડા વાદળોથી ઢંકાઈ ગયું હતું. આ કુદરતી આફતના કારણે શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. શેરીઓ સુમસાન થઈ ગઈ, વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ અને રહેવાસીઓ ઘરોમાં જ કેદ થઈ ગયા હતા.
દાહોદના ચીલાકોટા ગામમાં 25થી વધુ મકાનમાં આગ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેડા ફળિયામાં ભારે પવન અને વાવાઝોડા આવ્યુ હતું. વાવાઝોડાના કારણે આકસ્મિક રીતે લાગેલી આગે 25થી વધુ મકાનોને ચપેટમાં લઈ લીધા હતા. આગ ઝડપથી ફેલાતાં નોંધપાત્ર નુકસાન થયું, જેમાં 2-3 પશુઓ જીવતા ભડથું થયા હતા.
IPL 2025: હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં SRHના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી DCની ટીમ ફક્ત 133 રન જ બનાવી શકી હતી. DCની ઈનિંગ પૂરી થતાં જ મેચ દરમિયાન વરસાદ પડ્યો અને SRHની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ન આવી શકી. આ પછી, મેદાન ખૂબ ભીનું હોવાથી, અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. હૈદરાબાદ આ સાથે જ IPLમાં પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઇ ગઇ છે.
સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો
સોનાના ભાવ સતત બે દિવસથી વધી રહ્યા છે. 6 મેના રોજ MCX પર સોનાના ભાવમાં 1253 રૂપિયાનો વધારો થયો હતો. જેના કારણે સોનાનો ભાવ વધીને 95902 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ પહેલા 5 મેના રોજ પણ શરૂઆતના કારોબારમાં સોનામાં 600 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં થયેલા આ વધારાને કારણે લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે.








