નોયડામાં અડધીરાત્રે ફ્લેટમાંથી આવી રહ્યો અજીબનો અવાજ, પોલીસે 40 છોકરા છોકરીઓની કરી અટકાયત
દિલ્હીના નોઈડાના સેક્ટર-94માં આવેલી હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં પોલીસે મધરાતે દરોડા પાડીને 40 છોકરા-છોકરીઓ

દિલ્હીના નોઈડાના સેક્ટર-94માં આવેલી હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં પોલીસે મધરાતે દરોડા પાડીને 40 છોકરા-છોકરીઓની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા છોકરા-છોકરીઓ કથિત રીતે ફ્લેટની અંદર 'રેવ પાર્ટી' કરી રહ્યા હતા. આ દરોડામાં પકડાયેલા વિદ્યાર્થીઓ એક જાણીતી યુનિવર્સિટીના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફ્લેટની અંદરથી હરિયાણા બ્રાન્ડની દારૂની બોટલો અને હુક્કા વગેરેનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સુપરનોવા સોસાયટીના એક ફ્લેટમાં ભેગા થયેલા આ છોકરા-છોકરીઓ પરવાનગી વગર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દારુ પીને આ યુવાનો અડધી રાત્રે હંગામો મચાવ્યો હતો. પાર્ટીમાં પ્રતિબંધિત શરાબનું સેવન કરવામાં ઘણી યુવતીઓ પણ સામેલ હતી. ઘટનાને રેવ પાર્ટી જેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેટલાક છોકરાઓએ નશાની હાલતમાં 19મા માળેથી દારૂની બોટલ નીચે ફેંકી દીધી હતી. છોકરા છોકરીઓની દારુ પાર્ટીથી આજુબાજુના મકાનમાં રહેતા લોકોએ હોબાળો મચાવી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ફ્લેટમાં હાજર 40 છોકરા-છોકરીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
શનિવારે આ અંગે માહિતી આપતા પોલીસ પ્રવક્તાએ કહ્યું કે શુક્રવારે મોડી રાત્રે માહિતી મળી હતી કે સેક્ટર-94 સ્થિત સુપરનોવા સોસાયટીના એક ફ્લેટમાં ઘણા લોકો રેવ પાર્ટી કરી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 40 યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ છોકરા-છોકરીઓની ઉંમર 16થી 20 વર્ષની વચ્ચેના છે. અટકાયત કરાયેલા છોકરા-છોકરીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમને વોટ્સએપ પર મેસેજ મોકલીને પાર્ટીમાં બોલાવાયા હતા. એક વ્યક્તિ માટે એન્ટ્રી ફી 500 રૂપિયા અને કપલ માટે 800 રૂપિયા હતી.
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, પોલીસને વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલ મેસેજ પણ મળ્યો છે. આ ઘટનાના સંબંધમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે તપાસ કરી રહી છે.






