મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હવામાન વિભાગની મોટી આગાહી! / 25થી 29 ઓક્ટોબર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી! વાવાઝોડું 'અર્ણવ' મચાવશે તબાહી?

હવામાન વિભાગની મોટી આગાહી! / 25થી 29 ઓક્ટોબર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી! વાવાઝોડું 'અર્ણવ' મચાવશે તબાહી?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર (હળવું દબાણ) વધુ મજબૂત બનીને વર્ષના પ્રથમ ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તોફાન (Tropical Cyclone)માં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. જો આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે તો બાંગ્લાદેશ દ્વારા અપાયેલા નામ મુજબ તેને ‘ચક્રવાત અર્ણવ’ (Cyclone Arnab) કહેવામાં આવશે. આ વાવાઝોડાના કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં 25 થી 29 ઓક્ટોબર દરમિયાન ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

28 ઓક્ટોબરની રાત્રે લેન્ડફોલ થવાની શક્યતા

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 25 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ 26 અને 27 ઓક્ટોબર સુધી તે બંગાળની ખાડીમાં જ કેન્દ્રિત રહેશે. હવામાન વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ વાવાઝોડું 28 ઓક્ટોબરની રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ (કાકીનાડા) અને દક્ષિણ ઓડિશા (ગોપાલપુર) વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે.

ઓડિશાના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

વાવાઝોડાની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 25 થી 27 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને પૂરી, ગજપતિ, ગંજમ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જેવા સંવેદનશીલ જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ (Red Warning) જારી કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળ પર શું અસર થશે?

હવામાન વિજ્ઞાન કેન્દ્ર (RMC) મુજબ, ભલે વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સીધું ન ટકરાય, પરંતુ દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં 27 ઓક્ટોબરથી ભારે પવન અને વરસાદનો દોર શરૂ થઈ જશે.

કોલકાતા: 28 અને 29 ઓક્ટોબરે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.

તટીય જિલ્લાઓ: દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર અને ઝાડગ્રામમાં આ બે દિવસો દરમિયાન 110 મીમી સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો વાવાઝોડું લેન્ડફોલ બાદ જમીન વિસ્તાર પર લાંબો સમય ટકી રહેશે, તો સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વધી જશે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો