મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: 227 કિમીની ઝડપે ત્રાટકશે મહાવિનાશક વાવાઝોડું ‘ચાંપી’: 20 ફૂટ ઊંચા મોજાં અને પૂરનો ખતરો, 225થી વધુ ફ્લાઇટ્સ રદ્દ!

સોર્સ: gstv

પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ‘ચાંપી’ હવે તાઈવાન તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે તાઈવાન, ચીન અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાના કેન્દ્ર નજીક પવનની ગતિ પ્રતિ કલાક 227 કિલોમીટર જેટલી નોંધાઈ છે. આ તોફાનના કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની અને મુશળધાર વરસાદની શક્યતાને જોતાં તાઈવાન અને જાપાનમાં 225 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાનો વ્યાપ આશરે 320 કિલોમીટર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વાવાઝોડું તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની અત્યંત નજીક પહોંચશે. ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધી ચીનના દરિયાકિનારા પાસેથી પસાર થઈને દક્ષિણ જાપાન તરફ વળવાની સંભાવના છે. આ વાવાઝોડાનો વ્યાપ આશરે 320 કિલોમીટર સુધી ફેલાયેલો હોવાથી તેની અસર આગામી બે દિવસ સુધી મોટા વિસ્તારમાં જોવા મળી શકે છે.

દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં અને ભારે વરસાદનું એલર્ટ

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને સુરક્ષિત રહેવા માટે મોબાઈલ પર ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યા છે. દરિયામાં 6 મીટર એટલે કે આશરે 20 ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળવાનું જોખમ છે. આ ઉપરાંત ઉત્તરીય તાઈવાન અને પાટનગર તાઈપેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ નાગરિકોને સાવચેત રહેવા અને પર્વતીય કે દરિયાકાંઠાના સ્થળોએ જવાનું ટાળવા જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શકાય.

225થી વધુ ફ્લાઇટ્સ રદ્દ, હજારો મુસાફરો અટવાયા

વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને તાઈવાનમાં 125 જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. જાપાનના ઓકિનાવા પ્રાંતના યોનાગુની ટાપુ પરથી વાવાઝોડું પસાર થવાની શક્યતાને પગલે જાપાની એરલાઇન્સે 100 થી વધુ ઉડાનો રદ્દ કરી છે, જેના કારણે 11,000 થી વધુ હવાઈ મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે.

આ સમાચાર શેર કરો