દિવાળી પહેલાં રાહુલ ગાંધીની રેલી મુલતવી રાખવા વેપારીઓની માગ, ₹10 હજાર કરોડના વેપારને નુકસાનની આશંકા

દિવાળીના તહેવાર પહેલાં દિલ્હીમાં વેપારને અસર થવાની આશંકા વચ્ચે ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને INDIA ગઠબંધનની પ્રસ્તાવિત રેલી મુલતવી રાખવા અપીલ કરી છે. વેપારી સંગઠને ચેતવણી આપી છે કે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી મોટી રાજકીય રેલીને કારણે આશરે ₹10,000 કરોડના વેપાર પર જોખમ ઊભું થઈ શકે છે. CTIએ રેલી 10 નવેમ્બર બાદ યોજવાની માગ કરી છે. વેપારી સંગઠનના જણાવ્યા મુજબ, દિવાળી પહેલાં બજારોમાં ખરીદીનો ધમધમાટ વધે છે. આ સમયે રામલીલા મેદાનની આસપાસના મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારોમાં ટ્રાફિક નિયંત્રણ, રસ્તા બંધ થવા, બેરિકેડિંગ અને ભીડને કારણે વેપાર તથા માલની હેરફેર ખોરવાઈ શકે છે.
ધનતેરસ પહેલાં ખરીદીમાં તેજી, વેપારીઓને નુકસાનની ચિંતા
CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ધનતેરસ અને દિવાળીના દિવસોમાં દિલ્હીના બજારોમાં મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે, દિવાળી 8 નવેમ્બરે અને ભાઈબીજ 10 નવેમ્બરે છે. વેપારી સંગઠનના જણાવ્યા અનુસાર, ધનતેરસના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સોનું-ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, વાસણો, સૂકો મેવો, મીઠાઈ, વાહનો, મિલકતો અને ભેટસોગાદો સહિતના ક્ષેત્રોમાં આશરે ₹25,000 કરોડનો વેપાર થાય છે. તહેવારોના લગભગ એક સપ્તાહ પહેલાંથી બજારોમાં ગ્રાહકોની સંખ્યા વધવા લાગે છે. તેથી 1 નવેમ્બરની રેલીનો સમય વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.
અગાઉના કાર્યક્રમોથી ₹3,000 કરોડના નુકસાનનો દાવો
CTIએ પત્રમાં દાવો કર્યો છે કે આ મહિનામાં અગાઉ યોજાયેલા રેલીઓ, માર્ચ અને રસ્તા બંધ થવાની ઘટનાઓને કારણે દિલ્હીના વેપારીઓને આશરે ₹3,000 કરોડનું નુકસાન થયું છે. સંગઠનના જણાવ્યા અનુસાર, કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ અને મધ્ય દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી અવરજવરની સમસ્યાઓથી જથ્થાબંધ બજારો સુધી માલ પહોંચાડવામાં વિલંબ થયો હતો. છૂટક દુકાનોમાં ગ્રાહકોની અવરજવર પણ ઘટી હતી. વેપારીઓને આશંકા છે કે તહેવારોની ખરીદીના મહત્ત્વપૂર્ણ સમયગાળામાં વધુ એક મોટી રેલી યોજવાથી બજારોમાં વેપાર અને પુરવઠા વ્યવસ્થા પર વધારાનું દબાણ આવી શકે છે.
રામલીલા મેદાનની આસપાસનાં 20 બજારોને અસરની આશંકા
CTIએ જણાવ્યું છે કે રામલીલા મેદાનથી આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં 20 જેટલાં મહત્ત્વપૂર્ણ બજારો આવેલાં છે. તેમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ભાગીરથ પેલેસ, ખારી બાવલી, કાશ્મીરી ગેટ, નાઈ સરક, મોરી ગેટ, કિનારી બજાર, દરિબા, દરિયાગંજ, અજમેરી ગેટ, જામા મસ્જિદ, કરોલ બાગ અને આઝાદ માર્કેટનો સમાવેશ થાય છે. આ બજારોમાંથી દેશના વિવિધ વિસ્તારોમાં માલસામાનનો પુરવઠો પહોંચે છે. રેલી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને જાહેર પરિવહન પર નિયંત્રણ મૂકવામાં આવે તો વેપાર ઉપરાંત માલની હેરફેરને પણ અસર થઈ શકે છે. જૂની દિલ્હી અને નવી દિલ્હી રેલવે સ્ટેશન મારફતે અન્ય રાજ્યોમાંથી ખરીદી માટે આવતા વેપારીઓ અને ગ્રાહકોને પણ મુશ્કેલી પડી શકે છે, તેવી ચિંતા CTIએ વ્યક્ત કરી છે.
‘શાંતિપૂર્ણ વિરોધના અધિકારનો આદર, પરંતુ વેપારને નુકસાન ન થવું જોઈએ’
CTIએ સ્પષ્ટ કર્યું છે કે તે શાંતિપૂર્ણ વિરોધ અને લોકશાહી અભિવ્યક્તિના અધિકારનો આદર કરે છે. જોકે, તહેવારો દરમિયાન મહત્ત્વપૂર્ણ વ્યાપારી વિસ્તારોમાં મોટી રેલીઓ યોજવાથી વેપારને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજકીય પક્ષોએ વૈકલ્પિક તારીખ પસંદ કરવી જોઈએ. સંગઠને રાહુલ ગાંધીને રેલી 10 નવેમ્બર બાદ યોજવા વિચારણા કરવાની અપીલ કરી છે, જેથી દિવાળીની ખરીદીના સમયગાળામાં વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
‘વોટ ચોરી’ના મુદ્દે INDIA ગઠબંધનની રેલી
બીજી તરફ, INDIA ગઠબંધનની આ રેલીનો હેતુ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કથિત અનિયમિતતાઓ અને ‘વોટ ચોરી’ના આરોપોને લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધારવાનો છે. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ ઉઠાવી રહ્યો છે. 12 ઑક્ટોબરે દિલ્હીમાં ‘વોટ ચોરી’ના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન વિપક્ષી નેતાઓ, કાર્યકરો અને નાગરિક સમાજના સભ્યોએ ‘માર્ચ ફોર ડેમોક્રેસી’માં ભાગ લીધો હતો અને SIR સામે સંયુક્ત અરજી પણ દાખલ કરી હતી. 13 ઑક્ટોબરે રાહુલ ગાંધીએ પોતાના નિવાસસ્થાને INDIA ગઠબંધનના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગઠબંધને આ મુદ્દે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હવે રેલીની તારીખમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર વેપારી સંગઠનોની નજર છે. એક તરફ વિપક્ષ ‘વોટ ચોરી’ના મુદ્દે આંદોલન તેજ કરવા માગે છે, તો બીજી તરફ વેપારીઓ દિવાળીના મહત્ત્વપૂર્ણ ખરીદીના સમયગાળામાં બજારોની કામગીરી ખોરવાય નહીં તે માટે રેલી મુલતવી રાખવાની માગ કરી રહ્યા છે.














