'ફાઇલ પાસ કરાવવા કેબિનેટ મંત્રીના PAને 20 લાખ આપ્યા', ભાજપ નેતાનો પોતાની જ સરકાર પર આરોપ
ભાજપના નેતા અને ગોવાના ભૂતપૂર્વ મંત્રી પાંડુરંગ મડકાઈકરે પોતાની જ સરકાર પર આરો

ભાજપના નેતા અને ગોવાના ભૂતપૂર્વ મંત્રી પાંડુરંગ મડકાઈકરે પોતાની જ સરકાર પર આરોપો લગાવ્યા છે. પાંડુરંગ મડકાઈકરે આરોપ લગાવ્યો કે, CM પ્રમોદ સાવંતના મંત્રીમંડળના મંત્રીઓ પૈસા ગણવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે, તેઓએ એક મંત્રીના પીએને તેમની ફાઇલ પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયાની લાંચ આપી હતી. ભાજપ નેતા દ્વારા પોતાની જ સરકાર પર લગાવવામાં આવેલા આ આરોપથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મડકાઈકરના દાવા પર પ્રતિક્રિયા આપતા ગોવા રાજ્યના પરિવહન મંત્રી અને ભાજપ નેતા મૌવિન ગોડિન્હોએ પત્રકારોને જણાવ્યું હતું કે, મડકાઈકરે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે મંત્રીનું નામ જણાવવું જોઈએ, જેમના સ્ટાફને તેમણે પૈસા આપ્યા હતા.
મનોહર પર્રિકરના નેતૃત્વ હેઠળના અગાઉના મંત્રીમંડળમાં મંત્રી રહી ચૂકેલા મડકાઈકર મંગળવારે સાંજે ગોવામાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષ સાથે મુલાકાત કરી હતી. મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે સંતોષે મંગળવારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત રાજ્યના ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી.
પત્રકારો સાથે વાત કરતા, મડકાઈકરે આરોપ લગાવ્યો કે, સાવંતના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના મંત્રીઓ "પૈસા ગણવામાં વ્યસ્ત" છે. તેમણે દાવો કર્યો કે, "હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મેં પોતે મારી ફાઇલ પાસ કરાવવા માટે એક મંત્રીના PA ને 15થી 20 લાખ રૂપિયા આપ્યા હતા.
મંત્રી મૌવિન ગોડિન્હોએ પત્રકારોને જણાવ્યું હતું કે લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેની કાળજી લેવી જોઈએ. હું કોઈ પણ બાબતમાં ટિપ્પણી કરવા માંગતો નથી. બધા તેમને સારી રીતે ઓળખે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન શું બન્યું તે અંગે પોતાની અંદર જોવું જોઈએ. મારી તેમને સલાહ છે કે જે લોકો કાચના ઘરમાં રહે છે તેમણે બીજા પર પથ્થર ન ફેંકવા જોઈએ.
દરમિયાન, AAP ગોવાના વડા અમિત પાલેકરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને માંગ કરી કે, પણજી પોલીસ મડકાઈકરના નિવેદનની નોંધ લઈને FIR નોંધે. પોલીસે ભૂતપૂર્વ મંત્રી પાસેથી માહિતી માંગવી જોઈએ કે તેમણે એક મંત્રીના પીએને ક્યારે અને કેટલી લાંચ આપી હતી.








