ભાવનગર: વ્યાજખોરોએ વધુ નાણાં માંગતા યુવાને ત્રાસીને ગળાના ભાગે બ્લેડો મારી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ગત રોજ સુરેન્દ્રનગરમાં શખ્સે વ

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ગત રોજ સુરેન્દ્રનગરમાં શખ્સે વ્યાજખોરોના ત્રાસને કારણે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આજે ભાવનગરમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળાના ભાગે ઈજા પહોંચાડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
વ્યાજની રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ યુવાન પાસે માંગ્યા વધુ નાણાં
પ્રાથમિક અહેવાલ પ્રમાણે ભાવનગર શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. શહેરના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા પરેશ જગદીશભાઈ મૂળચંદાણી નામના યુવકે ઊંચા દરે વ્યાજે રકમ લીધી હતી.જે રકમ કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં ત્રણથી ચાર જેટલા વ્યાજખોરો દ્વારા તેમને રકમ આપવા માટે સતત દબાણ કરતા હતા.
યુવાને ગળાના ભાગે બ્લેડો મારીને કર્યો આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરોઓ રૂપિયા માટે ધમકી સતત આપતા અને પઠાણી ઉઘરાણી પણ કરતા હતા. જેનાથી કંટાળી યુવકે પોતાની જાતે ગળા પર બ્લેડો મારી હતી.જે બાદ તેને ગંભીર હાલતમા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. હોસ્પિટલમાં તુંરત સારવાર મળતા યુવાનનો જીવ બચી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..






