મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં 2 અલગ-અલગ જગ્યાએ ક્રાઈમની ઘટના; બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો

અમદાવાદમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ

Ahmedabadમાં 2 અલગ-અલગ જગ્યાએ ક્રાઈમની ઘટના; બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો

અમદાવાદમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નીચે એક યુવકની તેના જ મિત્રોની હાજરીમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે, જ્યારે શાહપુરમાં અન્ય એક યુવક પર જીવલેણ હુમલો થતા તે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

બોપલમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મૂળ રાજસ્થાનનો અને મણિનગરમાં રહેતો શિવા કલાસુઆ નામનો યુવક જ્યારે તેના મિત્ર સુરેશની ટ્રાવેલ્સ બસમાં બેઠો હતો, ત્યારે નારાયણ ઉર્ફે રાજકુમાર નામના શખ્સે તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.

રાજકુમાર પોતાની સાથે સુનિલ ખોકરીયા સહિત અન્ય બે શખ્સોને લઈને આવ્યો હતો. આ શખ્સોએ બસનો દરવાજો ખખડાવી શિવાને પરાણે બહાર ખેંચી કાઢ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ અચાનક ઉશ્કેરાયેલા સુનિલ અને તેના સાગરીતોએ શિવા પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા શિવાનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે આ મામલે સુનિલ ખોકરીયા અને અન્ય શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજ પોલીસે રાજકુમારના નિવેદનની પ્રક્રિયા હાથ ધરી છે જે હત્યાનું મુખ્ય કારણ સ્પષ્ટ કરી શકે છે.

બીજી તરફ શાહપુર વિસ્તારમાં પણ હત્યાની કોશિશની એક ઘટના બની છે. રેટીયાવાડી પાસે આવેલા ગેરેજની બહાર અમર ઉર્ફે સબર દાતણીયા નામનો યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. અમર રાત્રે ઘરે ન ફરતા તેના પિતા ગૌતમભાઈને લાગ્યું કે તે ગેરેજ પર જ ઊંઘી ગયો હશે. જોકે, સવારે કોઈએ જાણ કરી હતી કે તેમનો પુત્ર ગંભીર હાલતમાં પડેલો છે. અજાણ્યા શખ્સોએ કોઈ બોથડ પદાર્થ વડે અમર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ અમરની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને શાહપુર પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. 

આ સમાચાર શેર કરો