મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dwarka/ વ્યાજખોરોના ત્રાસથી 52 વર્ષીય યુવકે ઝેરી દવા પીને કર્યો આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક નિર્દોષ વ્યક્તિ વ્યાજના ચક્રવ્

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક નિર્દોષ વ્યક્તિ વ્યાજના ચક્રવ્યૂહમાં હોમાઈ છે. જામ ખંભાળીયાના જિતેન્દ્રભાઈ વડોલીયા નામના 52 વર્ષીય યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, જિતેન્દ્રભાઈ વડોલીયા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ ગયા હતા. વ્યાજખોરો દ્વારા સતત કરવામાં આવતી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને તેમણે સલાયા સ્થિત પોતાના જૂના મકાન ખાતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે જામ ખંભાળીયા હોસ્પિટલ ખસેડ્યા હતા.

સારવાર દરમિયાન નિપજ્યું મોત

જિતેન્દ્રભાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચેની જંગ લડતા લડતા અંતે તેમણે દમ તોડ્યો હતો. યુવકના અવસાનથી પરિવારનો આધારસ્તંભ છીનવાઈ ગયો છે અને આખો પરિવાર નોંધારો બન્યો છે.

પરિવારના ગંભીર આક્ષેપો

મૃતકના પરિવારજન મનીષ વાડોલીયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જિતેન્દ્રભાઈએ વ્યાજખોરોના ત્રાસને કારણે જ આ અંતિમ પગલું ભર્યું છે. વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી ધમકીઓ અને દબાણને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતા.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા હોવાની લાગણી લોકોમાં વ્યાપી છે. જામ ખંભાળીયામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. મૃતકના પરિવારે જવાબદાર વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી અન્ય કોઈ પરિવાર આ રીતે વિખેરાય નહીં.

આ સમાચાર શેર કરો