Valsad/ નવા વર્ષની રાત્રે પાર નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ, પરિવારમાં છવાયો માતમ
આખું વિશ્વ જ્યારે નવા વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે વલસાડના અતુલ પાસે આવ

આખું વિશ્વ જ્યારે નવા વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે વલસાડના અતુલ પાસે આવેલી પાર નદીમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. પારડીના રહેવાસી 24 વર્ષીય યુવક અનુજ મૈરાડેએ પાર નદીના નાના પુલ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
મોડી રાત્રે મારી છલાંગ
મળતી માહિતી મુજબ, અનુજ મૈરાડે ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે પોતાની બાઇક લઈને અતુલ પાસે પાર નદીના નાના પુલ પર પહોંચ્યો હતો. ત્યાં પોતાની બાઇક મૂકી તેણે નદીના ઊંડા પાણીમાં પડતું મૂક્યું હતું. અનુજ પારડીનો રહેવાસી હતો અને જાણીતી મેરિલ કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
તરવૈયાઓએ શોધી કાઢી લાશ
ઘટનાની જાણ થતા જ ચંદ્રપુરના કુશળ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાત્રિના સમયે જ શોધખોળ શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ આજે વહેલી સવારે અનુજનો મૃતદેહ મળી આવ્યો હતો. તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોલીસને સોંપી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ
નવા વર્ષની રાત્રે જ આ યુવકે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. એક આશાસ્પદ અને કંપનીમાં નોકરી કરતા યુવકના મોતના સમાચારથી તેના પરિવાર અને મિત્રવર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વલસાડ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








