મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ankleshwar news: સન ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી કામદારનું મોત, મૃતકના પરિવારને યોગ્ય વળતરની ઉગ્ર માંગણી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નિપજ્યું હતું.

Ankleshwar news: સન ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી કામદારનું મોત, મૃતકના પરિવારને યોગ્ય વળતરની ઉગ્ર માંગણી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મૃતક કામદારના પરિવારને યોગ્ય વળતર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બનાવ અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતકના પરિવારને યોગ્ય વળતરની માંગણી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં ટોલ્વીન પ્રોસેસ થઇ રહી હતી. તે વખતે અચાનક ટોલ્વીનની અસર થતા 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએના માથામાં દુખાવો શરુ થયો હતો. જેને કંપનીના ઓ.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી તેની હાલત ગંભીર થતા તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કંદબા ભુએનું મોત નીપજ્યુ હતું. આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને કંપનીના ગેટ પાસે ભેગા થઇ મૃતકના પરિવારને યોગ્ય વળતર માટેની માંગણી કરી હતી.

વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહીશું

આ બનાવની જાણ થતા આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે પહોંચી ગયા હતા અને મૃતક કામદાર ના પરિવાર ને ન્યાય મળી રહે તે માટે કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી અને પરિવાર ને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહીશું તેવું જણાવ્યું હતું અને ફેકટરી ઇન્સ્પેકટર સામે પણ રોષ ઠાલવ્યો હતો. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો