સુરતમાં 9 મહિને મહિલાને મળ્યો ગુમાવેલો હાથ, નોકરીની સાથે પોતાના કામ કરી શકવાનો વધ્યો આત્મવિશ્વાસ
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા દિલીપ પરેશ રોટરી હોલ ખાતે ઈનાલી-બેટરી સંચાલિક કૃત્રિમ હાથ પ્રત્યારો

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા દિલીપ પરેશ રોટરી હોલ ખાતે ઈનાલી-બેટરી સંચાલિક કૃત્રિમ હાથ પ્રત્યારોપિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં કામ કરતાં રોટરી કલબના 14 સંગઠનો દ્વારા એક છત નીચે આ બેટરી સંચાલિત હાથ પ્રત્યારોપિત કરવામાં આવ્યાં હતાં. જેમાં સુરત, દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ અને અન્ય રાજ્યમાંથી પણ લાભાર્થીઓ આવ્યા હતાં. 35થી વધુ લોકોને નિઃશૂલ્ક રીતે હાથ લગાવી આપવામાં આવ્યાં હતાં. જેમાં ઘણા એવા હતાં જેમને બન્ને હાથ લગાવી આપવામાં આવ્યાં હતાં.
9 મહિને ફરી હાથ મળ્યો-રેખા
મુંબઈથી હાથ મેળવવા આવેલી રેખા ધીરજકુમાર ખારવાએ કહ્યું કે, મને ગત માર્ચ મહિનામાં અકસ્માત થતાં મારા હાથની નસ દબાઈ ગઈ હતી. જેથી બે વાર ઓપરેશન કરીને હાથ કપાવવો પડ્યો હતો. હું નોકરી કરતી હતી. પરંતુ હાથ ગુમાવવો પડતાં નોકરી છૂટી ગઈ હતી. જો કે, આજે સુરતમાં આ પ્રકારે હાથ મળે છે તેવી જાણ થતાં હું મારા પતિ સાથે અહિં આવી હતી. કારણ કે હાથ ગુમાવ્યો ત્યારબાદ મારે નોકરી જ નહીં ઘરકામ પણ ન થાય તેવી સ્થિતિ હતી. ત્યારે હવે હાથ મળ્યો છે. ત્યારે એવું લાગે છે કે, નવ મહિના બાદ ફરીથી મને નવું જીવન મળ્યું છે. હાથ મળ્યો છે તો ઘરકામની સાથે નોકરી પણ કરી શકીશ તેવો આત્મવિશ્વાસ ફરીથી આવ્યો છે.
નિઃશૂલ્ક લગાવાયો હાથ
હાથ લગાવવાના કાર્ય સાથે સંકળાયેલા પુણે ડાઉનટાઉન વતી પ્રદિપ મુનોતએ કહ્યું કે, અમે દરવર્ષે આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. જેમાં લોકોને બન્ને હાથ તો કોઈને એક હાથ લગાવી આપીએ છીએ. બેટરી સંચાલિત હાથ હોવાથી કુદરતી જેવો જ દેખાય છે. વજનમાં હળવો છે. રોજિંદા કામ થઈ શકે છે. દરરોજ ફીટ કરવો અને કાઢવો પણ આસાન હોય છે. માર્કેટમાં લગભગ 50 હજાર સુધીની કિંમતથી લઈને લાખો રૂપિયાના હાથ મળતાં હોય છે. પરંતુ વિવિધ સંસ્થાઓના સહયોગથી અમે આ નિઃશૂલ્ક રીતે કરીએ છીએ. આ વખતે રોટરી કલબ સુરતના 14 સંગઠનોનો સપોર્ટ મળ્યો છે.








