બોટાદ : યુવકને ઘરે બોલાવી મહિલાએ પોતાના કપડાં ફાડ્યા, 5 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત 3ની ધરપકડ
Botad News : બોટાદ શહેરમાં એક યુવકને ઘરે બોલાવી મહિલાએ પોતાના કપડાં ફાડી નાખ્યાં

Botad News : બોટાદ શહેરમાં એક યુવકને ઘરે બોલાવી મહિલાએ પોતાના કપડાં ફાડી નાખ્યાં હતા. બાદમાં મહિલાના સાગરિતોએ આવીને આ યુવકને ધમકાવ્યો હતો અને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલામાં મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
મહિલાએ કપડાં ફાડી યુવકને બાથમાં ભીડી લીધો અને બુમાબુમ કરી
બોટાદના તુરખા રોડપર રહેતા અને મોટર ગેરેજના મીકેનીકલ તરીકે કામ કરતા જયદિપ સાસવાડીયા નામના યુવકને વિજય મારુ નામના વ્યક્તિએ વાહન રીપેર કરવા માટે ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન વિજય મારુના ઘરમાં આરતી રાઠોડ નામની મહિલા હાજર હતી.
આ દરમિયાન આરતી રાઠોડે યુવકને રૂમમાં બોલાવી પોતાના કપડાં ફાડીને યુવકને બાથમાં ભીડી લીધો અને બુમાબુમ કરી મૂકી હતી, જેથી વિજય મારુ, જયેશ ભરવાડ, કુલદીપસિંહ અને રાહુલ ચૌહાણ આ ચાર શખ્સો અંદર આવી ગયા હતા અને મોબાઈલમાં યુવક અને મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો.
પાંચ લાખની ખંડણી માંગી, મહિલા સહિત 3ની ધરપકડ
આ મહિલા અને 4 શખ્સોએ યુવકને વીડિયો વાયરલ કરવાની અને નબદનામ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ કરતા બોટાદ SOGએ ગણતરીની કલાકોમાં કુલદિપસિંહ, આરતી રાઠોડ, રાહુલ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. SOGએ ફરાર આરોપી વિજય મારુ અને જયેશ ભરવાડની શોધખોળ હાથ ધરી છે.








