Rajkot news: ઘરકંકાસનો લોહિયાળ અંજામ, પત્ની અને પુત્રોએ મળી પિતાને ઉતાર્યા મોતને ઘાટ
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈને તેની પત્ની

રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈને તેની પત્ની અને પુત્રએ સાથે મળી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની સાથે સાથ ક્રાઇમ બ્રાન્ચ અને LCB ટીમ પણ સ્થળે પહોંચી હતી. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચ્યા હતા. હાલ પોલીસે FSLની મદદ મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ તજવીજ હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો વધતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
હત્યાના બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
કોણે ચલાવી છરી? પોલીસ તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે. મૃતક નરેશભાઈ અને તેમના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડા બાદ હત્યા કરવામાં આવી હતી. જોકે, હત્યામાં છરીનો ઘા કોણે માર્યો? પત્નીએ કે પુત્રોએ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભક્તિનગર પોલીસે મૃતકના પત્ની અને બંને પુત્રોને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે, જે બાદ હત્યાની મુખ્ય ભૂમિકા કોની હતી તે સ્પષ્ટ થશે.






