વાવ બેઠક પર પેટાચૂંટણી જાહેર: કોંગ્રેસ કોને આપશે ટિકિટ, આ ત્રણ નામ ચર્ચામાં
મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની સાથે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આ

મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની સાથે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વાવ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. પરિણામે વાવ બેઠકની પેટાચૂંટણી જાહેર થતા કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક ખાલી પડી હોવાથી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો હતો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.






