મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ રામ રાખે તેને કોણ ચાખે: બ્રિજ પરથી નીચે પટકાતા સમયે થાંભલામાં શર્ટ ભરાયો અને જીવ બચી ગયો

વડોદરાના નંદેસરી બ્રિજ પર શનિવારે સવારે એક એવી ઘટના બની જેણે જોનારાઓના શ્વાસ અધ્ધર ક

તસવીર: gstv

વડોદરાના નંદેસરી બ્રિજ પર શનિવારે સવારે એક એવી ઘટના બની જેણે જોનારાઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આણંદના અડાસ ગામનો રહેવાસી સિદ્ધરાજસિંહ મહિડા ઘરે કહ્યા વગર પોતાની મોપેડ લઈને વડોદરા તરફ નીકળ્યો હતો. નંદેસરી બ્રિજ પરથી પસાર થતી વખતે એક અજાણ્યા વાહને તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

20 ફૂટની ઊંચાઈએ લટક્યો

ટક્કર એટલી પ્રચંડ હતી કે સિદ્ધરાજસિંહ મોપેડ પરથી ઉછળીને બ્રિજની રેલિંગની બહાર ફેંકાયો હતો. સામાન્ય સંજોગોમાં તે 20 ફૂટ નીચે પટકાયો હોત, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હવામાં ઉછળતી વખતે સિદ્ધરાજસિંહનો શર્ટ બ્રિજના લોખંડના થાંભલામાં ભરાઈ ગયો. આ અકસ્માતને કારણે તે નીચે પડવાને બદલે હવામાં જ લટકી ગયો હતો. 

રાહદારીઓએ વહારે આવી જીવ બચાવ્યો

અકસ્માતમાં ઇજાઓ થવાને કારણે સિદ્ધરાજસિંહ હવામાં લટકતી હાલતમાં જ બેહોશ થઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓની નજર આ દ્રશ્ય પર પડતા તેઓ તુરંત મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળીને મહામુસીબતે યુવકને ઉપર ખેંચી લીધો હતો અને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ તપાસ શરૂ

નંદેસરી પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ આ ચમત્કારિક બચાવની ઘટના આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો