સુરતમાં જ્યારે રતન ટાટાએ કરી હતી હીરા કંપનીની મુલાકાત, પરિવારના 944 સભ્યોનો ફોટો જોઈ થયા હતા આશ્ચર્યચકિત
ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી ટાટા ગ્રુપના રતન ટાટાના અવસાનથી સમગ્ર દેશમાં શોક રેલાયો છે

ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી ટાટા ગ્રુપના રતન ટાટાના અવસાનથી સમગ્ર દેશમાં શોક રેલાયો છે. ત્યારે વર્ષ 2018માં સુરતની શુભેચ્છા મુલાકાતે રતન ટાટા આવ્યા હતા. તે સમયે હીરા કંપની એસઆરકે ગ્રુપ કતારગામમાં આવેલી ફેક્ટરી, કિરણ હોસ્પિટલ સાથે ધોળકિયા પરિવારના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રતન ટાટાએ હીરા ઉદ્યોગનું બારીકાઈથી નિરીક્ષણ કરીને તેની ટેકનૉલોજી, તેમાં કામ કરતાં કારીગરો અને ગોવિંદભાઈ ધોળકિયા વિષે વિગતો મેળવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ સુરતની મુલાકાતને યાદગાર ગણાવીને સુરતના વિકાસ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
સંતોક બા એવોર્ડ સ્વીકારેલો
ગોવિંદભાઈ ધોળકિયાએ સંભારણા યાદ કરતાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી અપાતા “સંતોક બા એવોર્ડ” રતન ટાટાને આપવાનું નક્કી થયું હતું. તેમણે આ ઍવોર્ડ સ્વીકારવાની મંજૂરી આપી હતી. જાહેર સમારંભ અને કાર્યક્રમથી સામાન્યપણે દુર રહેતાં રતન ટાટા આ એવાર્ડ એકદમ અંગત લોકો અને એસઆરકે પરિવારની હાજરીમાં સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહેલું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી. મેં એમાં ઉમેરો કરીને અમારા ગ્રૂપને આગળ વધાર્યુ છે. પણ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે મારે એ જોવું છે.
રત્નકલાકારોના પગાર સહિતની વિગતો મેળવેલી
રતન ટાટા બાય ફ્લાઈટ સુરત આવ્યા હતાં. અહીં એસઆરકે પરિવારની ત્રણ પેઢી સાથે મુલાકાત કરીને હીરા ઉદ્યોગની વિગતો મેળવી હતી. સાથે જ એમને હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ટેકનૉલોજી અંગે વિગતો મેળવી હતી. ધોળકિયા પરિવારની બીજી પેઢીના યુવાનોએ ફેક્ટરીની મુલાકાત કરવી હતી. રતન ટાટા એ કાચા હીરાને કાપવાના અને પોલીશિંગ કરવાની પ્રક્રિયામાં વપરાતી ટેકનૉલોજી વિષે બહુ ઝીણવટભરી વિગતો મેળવી હતી. સાથે જ એમણે રત્ન કલાકારોના અભ્યાસ અને એમના પગારની વિગતો પણ જાણી હતી. સાથે જ એમણે ધોળકિયા પરિવારના 944 સભ્યોનું ગ્રુપ ફોટો જોઈ એમણે આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ગુજરાતી ભોજન લીધું હતું
સુરતની મુલાકાતની શરૂઆતથી જ રતન ટાટા બહુ ખુશ હતા અને એમને અનેક વાતો અંગે પોતાનું કુતૂહલ પણ વ્યક્ત કરતાં હતા. એકદમ સરળ અને સહજ સૌજન્ય મુલાકાતનો લાભ ધોળકિયા પરિવારને મળ્યો હતો.બપોરના સમયે ધોળકિયા પરિવાર સાથે ભોજન લીધું હતું. ભારતીય અને ગુજરાતી પરંપરા મુજબ ધોળકિયા પરિવારની સ્ત્રીઓએ એમનું સ્વાગત અને સન્માન કર્યું હતું, પૂર્ણ ગુજરાતી ભોજન પીરસ્યું હતું. ગુજરાતી જમણમાં ખમણ એમને વધુ પસંદ આવ્યા હતા.
ટાટાએ સંવાદ કર્યો હતો
ધોળકિયા ફાર્મ, વેડ-કરાડા ખાતે ધોળકિયા પરિવારના યુવાનો અને પારિવારિક મિત્રો સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં પરિવારના યુવાનોએ વિવિધ પ્રશ્નો રતન ટાટાને પૂછ્યા હતા. ટાટાએ પણ દરેક પ્રશ્નોના બહુ વિગતે જવાબ આપ્યા હતા. તમને જગત કઈ રીતે યાદ રાખે? એવા અક્ષય ધોળકિયાના પ્રશ્નના જવાબમાં રતન ટાટાએ ઉત્તર આપતા કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિકાસ કર્યો છે એના કરતાં મે કશા બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. રતન ટાટાએ સુરત અંગે કહ્યું કે 20 વર્ષ પહેલા નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ.
સુરતને જોઈને કહેલુ દેશ વિકાસ કરે છે
ગોવિંદ ધોળકિયા સહિતનાને રતન ટાટાના કહ્યું કે વિમાનમાંથી મે સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઇ અને એરપોર્ટ અહી આવતા સુધી સુરતને જોયા પછી કહી શકું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મુંબઈમાં બેસીને આ ખબર ના પડી હોત. આજે આવ્યો ન હોત તો મારા મગજમાં સુરતની 20 વર્ષ પહેલાની છબી જ હોત. સુરત એરપોર્ટથી એસઆરકે, કિરણ હોસ્પિટલ બધુ જોતાં મને પ્રશ્ન થયો કે, આ સુરત છે? ખેડૂત એવા રત્ન કલાકારો ભણ્યા ઓછું છે પણ એમની અંદરના કૌશલ્યને હીરા ઉદ્યોગમાં બરાબર ઉપયોગમાં લેવાયું છે મને ખ્યાલ નથી કે બીજી કોઈ જગ્યાએ આવો ઉપયોગ થયો હોય.
રતન ટાટા ઋષિતુલ્ય ઉદ્યોગપતિ
ગોવિંદભાઇ ધોળકિયાએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, ભારતના ઋષિતુલ્ય ઉદ્યોગપતિ રતન ટાટા હતાં. આજે એ આપણી વચ્ચે નથી. પરંતુ સુરતની મુલાકાતે પધાર્યા તે અમારા માટે તો ઇતિહાસ છે. અમે પણ પહેલથી ટાટા ઉદ્યોગ સમૂહના સિધ્ધાંતોને અનુસરતા રહ્યા છીએ. એટલે પણ એમની મુલાકાત યાદગાર અને અવિસ્મરણીય રહી હતી.








