મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં જળસંકટના એંધાણ; સૌની યોજનાનું પાણી બંધ, માલધારીઓની હિજરત શરૂ

સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં જળસંકટના એંધાણ; સૌની યોજનાનું પાણી બંધ, માલધારીઓની હિજરત શરૂ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની 20 ટકા ઘટ નોંધાતાં જળસંકટ ઘેરું બન્યું છે. જળાશયો, તળાવો, ચેકડેમો અને કેનાલોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. બીજી તરફ, છેલ્લા એક મહિનાથી સૌની યોજનાની પાણીની લાઇન બંધ હોવાથી વઢવાણ, મુળી, થાનગઢ, સાયલા, ચોટીલા અને ધ્રાંગધ્રા તાલુકાનાં ગામોમાં પાણીની અછત સર્જાઈ છે. ખેતીને નુકસાનની સાથે હવે પશુઓને પીવડાવવા માટે પણ પાણી મળતું ન હોવાથી માલધારીઓ પશુધન અને પરિવાર સાથે અન્ય વિસ્તારો તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે.

ધોળીધજા ડેમમાં માત્ર 15 ફૂટ પાણી

ધોળીધજા ડેમ શાખાના સિંચાઈ વિભાગના કર્મચારી શક્તિસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, હાલ ધોળીધજા ડેમમાં માત્ર 15 ફૂટ પાણી ઉપલબ્ધ છે. આ ડેમમાંથી સુરેન્દ્રનગર શહેરની ત્રણ લાખથી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, બોટાદ બ્રાન્ચ કેનાલમાં દરરોજ 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વરસાદની ઘટ અને ડેમમાં ઘટતા જળસ્તરને કારણે સૌની યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની છે. સૌની યોજના દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, બોટાદ, ભાવનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓ સુધી પહોંચતું પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

તળાવો ખાલી થતાં પશુધન માટે મુશ્કેલી

મુળી તાલુકાના સાડલા ગામના ખેડૂત ગણપત પટેલના જણાવ્યા મુજબ, મુળી, થાનગઢ, સાયલા, ચોટીલા, વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાનાં અનેક ગામોમાં તળાવો સાવ ખાલી થઈ ગયાં છે. સૌની યોજનાની લાઇન એક મહિનાથી બંધ હોવાથી પીવાના પાણીની સાથે પશુઓ માટે પાણી અને ઘાસચારાની અછત પણ ઊભી થઈ છે. આ સ્થિતિમાં માલધારીઓ પશુધનને બચાવવા અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

ખેડૂતો અને ગ્રામજનોની સૌની યોજના શરૂ કરવાની માંગ

પાણીની અછતને પગલે ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ સૌની યોજનાની લાઇન તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે નર્મદાનું પાણી ગામડાંનાં તળાવો અને ચેકડેમોમાં ભરવામાં આવે તો આગામી આઠ મહિના દરમિયાન પીવાના પાણી અને પશુઓ માટે પાણીની સમસ્યા હળવી થઈ શકે છે.

આ ઉપરાંત, અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે રાહત છાવણીઓ શરૂ કરવા અને પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ વરસાદની ઘટ, નીચું જળસ્તર અને પાણી પુરવઠો બંધ રહેવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોની મુશ્કેલીઓ વધી રહી છે.

આ સમાચાર શેર કરો