સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, 9 ઈંચ વરસાદથી પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું
સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે. બે દિવસમાં 9 ઇંચથી વધુ

સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે. બે દિવસમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું. બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પૂર આવતા ગામ બેટમાં ફેરવાયું હતું. ખાડી પારના 40 ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.
40 ઘરના લોકો મુશ્કેલીમાં
છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. ત્યારે બારડોલી અને મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે. બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઇ વેને જોડતી બત્રીસ ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડી તેમજ ગામ ફરતે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ખાડી નજીક આવેલા 40 જેટલા ઘરના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.જો કે, હજુ સુધી વહીવટી તંત્ર પણ મદદરૂપે પહોંચ્યું ન હતું.
ફેરાવો વધી ગયો
હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલા ગામોમા આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. હાલ બલેશ્વર બત્રીસ ગંગા ખાડી પાણી ફરી વળતા રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10 થી 15 કિમીનો ફેરાવો કરવાની નોબત આવી છે.








