‘વિશ્વ વિક્રમે’ ભાજપના જ નેતાઓને કરી દીધી ચેલેન્જ! કહ્યું ‘કોઈના બાપની તાકાત નથી કે મને હટાવી શકે’
અમદાવાદ શહેર ભાજપમાં સતત વિવાદોમાં રહેતા અને પોતાને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલના પ્રતિનિધ

અમદાવાદ શહેર ભાજપમાં સતત વિવાદોમાં રહેતા અને પોતાને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલના પ્રતિનિધિ તરીકે બજારમાં રજૂકર્તા નેતા ‘વિશ્વ વિક્રમ’ દ્વારા અતિ ઉત્સાહમાં આવીને ભાજપના જ નેતાઓને જાણે કે ચેલેન્જ કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગઈકાલે આશ્રમરોડ ખાતે એક થિયેટરમાં ફિલ્મ નિહાળવા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે શહેર સંગઠનના નેતાઓ હાજર હતા ત્યારે આ ‘વિશ્વ વિક્રમ’ દ્વારા કેટલાક લોકોની ઉપસ્થિતિમાં એવી બડાઈ હાંકવામાં આવી હતી કે, ‘ભાજપમાં કોઈના બાપની તાકાત નથી કે મને હટાવી શકે, શહેર ભાજપમાં તો હું જ છું.’ આવું બોલી ‘વિશ્વ વિક્રમ’ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખને ચેલેન્જ કરી રહ્યા છે પછી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને ચેલેન્જ કરી રહ્યા છે?
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પ્રદેશ ભાજપ દ્વારા શહેર સંગઠનના હોદ્દેદારોને ટેલીફોનિક સૂચના આપી ‘વિશ્વ વિક્રમ’ને તમામ કામગીરીથી દૂર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ સરકારની એક કમિટીમાં નિમણૂક થયા બાદ પોતાને જ જાણે કે ગૃહમંત્રી સમજી બેઠા હોય તે પ્રકારનું વર્તન ‘વિશ્વ વિક્રમ’ દ્વારા સતત ભાજપના નેતાઓ સામે કરવામાં આવતું હતું.
ગઈકાલે તેમના આવા વર્તન બાદ ભાજપમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે ‘વિશ્વ વિક્રમ’ને પ્રદેશના એક સેલની ખુરશી આંચકી લેવી હતી અને એટલે જ વણનોતર્યા દરરોજ પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ‘સ્વઘોષિત કન્વીનર’ તરીકેનો વટ મારે છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે જેની આંગળી પકડીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો તેવા નેતાઓને બાયપાસ કરી પ્રદેશ ભાજપના કેટલાક નેતાઓની પગચંપી કરી, શહેર ભાજપના એક સેલમાં ‘સ્વઘોષિત કન્વીનર’ બની બેઠા છે તેવા ‘વિશ્વ વિક્રમ’ને હવે રાષ્ટ્રીય ભાજપમાં કામ કરવાનો ઉમળકો ઉપડ્યો છે. એટલે જ તે ચોતરફ હવાતિયાં મારી દિલ્હીના નેતાઓનો ઝભ્ભો પકડવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે પોતાને શિસ્તબદ્ધ ગણાવતી ભાજપ દ્વારા જાહેરમાં પાર્ટીમાં જ અશિસ્ત ફેલાવનાર ‘વિશ્વ વિક્રમ’ સામે પગલાં લેશે કે પછી તેને વધુ અશિસ્ત ફેલાવવા માટે છૂટો દોર આપશે.








