મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સમાજ સામે વિક્રમ ઠાકોરે બાંયો ચઢાવી, કહ્યું -'ડીજે બંધ કરવાનો નિર્ણય ખોટો, જાણો શું સમગ્ર વિવાદ

કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને DJ વગાડી સમા

તસવીર: GSTV

કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને DJ વગાડી સમાજના બંધારણનો ભંગ કરવાના મુદ્દે ઠાકોર સમાજે એક વર્ષ માટે નાત બહાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ જાણીતા ગાયક વિક્રમ ઠાકોર તેમના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે DJ બંધથી અનેક કલાકારો અને તેમના પરિવારનો રોજગાર બંધ થયો છે. એક DJ સિસ્ટમથી 15 લોકોની આવક ચાલે છે. વિક્રમ ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચા તેજ બની છે. સમાજ શિસ્ત સામે રોજગારનો પ્રશ્ન ઉભો થયો છે.

વિક્રમ ઠાકોર કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં 

 હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું પણ કહેવાયું હતું કે, ડીજે વગાડીને દારૂ પણ પીવાય છે અને પછી ઝઘડા પણ થાય છે. આ અંગે કલાકાર વિક્રમ ઠાકોરે જ સમાજ સામે બાંયો ચઢાવી છે. તેણે કહ્યું છે કે, 'જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ડીજેથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે.'

આ મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજની બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા ફટકારવામાં આવી હતી. સમાજના આગેવાનોના જણાવ્યાનુસાર, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે. આ મામલે ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર નાત બહાર મુકાયેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થન આવ્યા છે. 

સમાજ સામે વિક્રમ ઠાકોરે બાંયો ચઢાવી

એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, 'ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાત બહાર મુકી દીધા છે. તેમણે DJ પર ગીતો વગાડ્યા હતા. જ્યારે ઠાકોર સમાજનું સેક્ટર 11માં સંમેલન હતું ત્યારે મે ગેનીબેનને વિનંતી કરી હતી, ત્યારે ગેનીબેન એવું કહેતા હતા કે ભાઇ મે બંધારણ નથી ઘડ્યું, પણ બોલ્યા તો હતા તમે ને? પેલા આગળ તો તમે આવ્યા હતા ને? તમે બોલ્યા હતા ને? તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું હશે. બરાબર છે, બંધારણ કર્યું. ઠાકોર સમાજમાં ઘણાં બધા એવા કુરિવાજો હતા તે દૂર થશે. ઠાકોર સમાજના બધા આગેવાનોએ જે બહુ સારું કામ કર્યું છે.

DJ બંધ કરવો હોય તો કરો, વાંધો નથી પણ પછી આ કલાકારોને રોજગાર આપો- વિક્રમ ઠાકોર

 વ્યાજે સિસ્ટમ લાવનાર લોકો આજે બેરોજગાર બન્યા છે. વિક્રમ ઠાકોરના વાયરલ વીડિયોમાં તેઓ કહે છે કે, DJ બંધ કરવો હોય તો કરો, વાંધો નથી, પણ પછી આ કલાકારોને રોજગાર આપો. ઘણા લોકો ઘરે બેઠા છે, આ લોકો ગાવા-વગાડવા સિવાય બીજું કશું કરી શકતા નથી. DJ બંધથી સમાજ સુધરશે એ ખોટી વાત છે.

વિક્રમ ઠાકોરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વિક્રમ ઠાકોરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે. એક તરફ સમાજ શિસ્ત જાળવવાની વાત કરે છે, તો બીજી તરફ કલાકારો રોજગાર બચાવવાની માગ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે, ઠાકોર સમાજ આ મુદ્દે પોતાનો નિર્ણય બદલશે કે નહીં? અને DJ કલાકારોના રોજગાર માટે કોઈ વિકલ્પ આપવામાં આવશે કે નહીં? ત્યારે હાલ તો વિક્રમ ઠાકોરના સમર્થનથી વિવાદ વધુ ગરમાયો છે.

આ સમાચાર શેર કરો