મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ બજેટ બોર્ડમાં બબાલ: 'દામોદર કુંડની આરતી અને મહિલા શૌચાલય ક્યાં?' - કોંગ્રેસે શાસકોને આડે હાથ લીધા

VIDEO: જૂનાગઢ મહાનગર

તસવીર: GSTV

VIDEO: જૂનાગઢ મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટ રજૂ કરવાના મહત્ત્વના બોર્ડમાં આજે ભારે ડ્રામા અને હોબાળો જોવા મળ્યો હતો. બજેટ બોર્ડની શરૂઆત થાય તે પહેલા જ ખુદ મેયર ગેરહાજર રહેતા અને શાસક પક્ષ દ્વારા વેરા વધારાની દરખાસ્ત મંજૂર કરતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

મેયરની ગેરહાજરી અને તબિયતનો હવાલો
બજેટ જેવી મહત્ત્વની બેઠકમાં જ મેયરની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જોકે, શાસક પક્ષના સભ્યોએ બચાવ કરતા જણાવ્યું હતું કે, મેયરની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ રજા પર છે. પરંતુ વિપક્ષે આ મુદ્દાને આડે હાથ લઈને સવાલો ઉઠાવ્યા હતા.

જૂના વાયદા અધૂરા, નવા વેરાનો બોજ
વિપક્ષી નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે ગત બજેટમાં જે મોટા કામોની જાહેરાત કરવામાં આવી હતી, તેમાંથી મોટાભાગના કામો માત્ર કાગળ પર જ રહ્યા છે. ગત બજેટમાં દામોદર કુંડ ખાતે 'મહા આરતી' શરૂ કરવાનું અને શહેરની મહિલાઓ માટે અદ્યતન 'શૌચાલય' બનાવવાનું વચન અપાયું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. આવા અધૂરા કામો વચ્ચે નવો વેરો ઝીંકવામાં આવતા વિપક્ષે 'વાયદા આપવાનું બંધ કરો' ના નારા લગાવ્યા હતા.

શહેરના રસ્તાઓ હજુ પણ ખોદાયેલા રહેશે
બજેટમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, જૂનાગઢમાં આગામી સમયમાં કામગીરી માટે હજુ પણ મોટાપાયે ખોદકામ ચાલશે. જેમાં 100 કિલોમીટરના મુખ્ય રસ્તાઓ, 60 કિલોમીટર ગટર લાઈન અને અન્ય ગટરના કામો માટે 18 કિલોમીટર મળી કુલ 178 કિમી જેટલા રસ્તાઓ તોડવામાં આવશે. જેને લઈને લોકોમાં ભારે હાલાકી અને ધૂળની ડમરીઓના કારણે સ્વાસ્થ્ય બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

શાસક પક્ષ દ્વારા વેરા વધારાને બહાલી આપવા માટે પાટલી થપથપાવવામાં આવતા જ કોંગ્રેસના સભ્યોએ મેદાનમાં ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બજેટને જનતા વિરોધી ગણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો