મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા બાદ રાઠ પ્રદેશમાં ઉજવાતી 'આદિવાસી દિવાળી'

સમગ્ર ભારતવર્ષમાં દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આદિવાસી બહુલ છ

સમગ્ર ભારતવર્ષમાં દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના રાઠ પ્રદેશમાં સદીઓ જૂની પરંપરા મુજબ હાલમાં 'ફસલી તહેવાર' તરીકે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે. આ પ્રદેશના આદિવાસી સમુદાય માટે દિવાળીની ઉજવણી એક અનોખી પરંપરા સાથે જોડાયેલી છે.

પ્રકૃતિ પૂજા અને ઋતુચક્ર આધારિત તહેવાર:

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આદિવાસીઓના દરેક તહેવાર ઋતુચક્ર અને પ્રકૃતિ પૂજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. દિવાળીનો આ તહેવાર પણ ચોમાસાની સીઝનમાં તૈયાર થયેલા નવા ધાન્ય પાકો સાથે સંકળાયેલો છે, જેના કારણે તેને 'ફસલી તહેવાર' તરીકે ઓળખવામાં આવે છે.

પરંપરાગત રીતે ઉજવણી

આદિવાસીઓ આ તહેવાર દરમિયાન સૌ પ્રથમ નવા ધાન્ય પાકોની પૂજા કરે છે. ત્યારબાદ, નવી ડાંગરના ચોખાના લોટમાંથી ખાસ દીવડા બનાવવામાં આવે છે. આ દીવડાઓ વડે ગામના દેવો, પૂર્વજો તેમજ પશુ-પંખીઓની આંખો ઉઘાડવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ ક્રિયા દ્વારા દરેક જીવનું જીવન સારી રીતે ચાલે તેવી શુભકામના પાઠવવામાં આવે છે, જે તેમની પ્રકૃતિપ્રેમી સંસ્કૃતિ દર્શાવે છે.

તહેવાર દરમિયાન નવા ધાન્ય પાકોમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને દેવોને ધરાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને અડદના ઢેબરા અને તાયા જેવી વાનગીઓ મુખ્ય હોય છે. આદિવાસીઓ સગા-સંબંધીઓ સાથે મળીને આ વાનગીઓનું ભોજન ત્રણ દિવસ સુધી જમીને દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.

છોટાઉદેપુરની આ અનોખી પરંપરા સાબિત કરે છે કે દિવાળી માત્ર રોશની અને ધનતેરસનો તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, પાક અને પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક મહાન પર્વ છે.

આ સમાચાર શેર કરો