મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વરાછામાં ટ્રાફિક ક્રેન કર્મચારીઓની દાદાગીરી, વાહનને બદલે યુવકને જ 'ટો' કરી ક્રેનમાં બેસાડી દીધો!

સુરતમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એ

સુરતમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓએ કાયદાને નેવે મૂકીને એક યુવક સાથે જાહેર રસ્તા પર ઝપાઝપી કરી તેને બળજબરીપૂર્વક ક્રેનમાં પૂરી દીધો હતો.

વીડિયો ઉતારતા જ કર્મચારીઓ ભરાયા ગુસ્સે 

વરાછાના માતાવાડી વિસ્તારમાં ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ નો-પાર્કિંગમાંથી વાહનો ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક યુવકે કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ અને તેમની વર્તણૂકનો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. પોતાનો વીડિયો ઉતારતા જોઈ ક્રેન કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા.

જાહેરમાં ગુંડાગીરી અને અપહરણ જેવો માહોલ

યુવક અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. કર્મચારીઓએ જાહેરમાં યુવક સાથે ગેરવર્તન કર્યું અને તેને રોડ પરથી પકડીને બળજબરીપૂર્વક પોલીસ ક્રેનમાં બેસાડી દીધો હતો. જાણે કોઈ ગુનેગાર હોય તેમ યુવકને ક્રેનમાં પૂરી દેતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સ્થાનિકોમાં ભારે રોષ

ક્રેન કર્મચારીઓની આ ગુંડાગીરી જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ "વીડિયો ઉતારો, વીડિયો ઉતારો"ની બૂમો પાડી કર્મચારીઓની આ કરતૂતને કેમેરામાં કેદ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ સુરત ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટરોના કર્મચારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

શું સામાન્ય નાગરિકને વીડિયો ઉતારવાનો અધિકાર નથી? અને શું ક્રેન કર્મચારીઓને કોઈ પણ વ્યક્તિને આ રીતે ઉઠાવી જવાની સત્તા કોણે આપી? તેવા તીખા સવાલો જનતા કરી રહી છે.

આ સમાચાર શેર કરો