મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સાપર-વેરાવળમાં અસામાજિક તત્વોનો આતંક, માથાકૂટ બાદ વાહનોમાં બેફામ તોડફોડ

રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા સાપર નજીક આવેલા વ

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા સાપર નજીક આવેલા વેરાવળ ગામમાં અસામાજિક તત્વોએ માઝા મૂકી છે. નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક શખ્સે જાહેરમાં રસ્તા પર પડેલા વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, રાત્રે વેરાવળ ગામમાં એક શખ્સને અન્ય કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખ્સે પોતાનો ગુસ્સો દુકાન બહાર પડેલા વાહનો પર ઉતાર્યો હતો.

લાકડીઓ વડે વાહનોના ભૂકા બોલાવ્યા

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શખ્સ હાથમાં લાકડી લઈને દુકાન પાસે પાર્ક કરેલા વાહનો પર તૂટી પડ્યો હતો. તેણે બેફામ રીતે વાહનો પર લાકડીઓના ફટકા ઝીંક્યા હતા અને એક એક્ટિવાને પણ જોરથી રસ્તા પર પછાડ્યું હતું. જાહેરમાં કાયદાના ડર વગર આ પ્રકારે તોડફોડ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસ કાર્યવાહીની માંગ

ઔદ્યોગિક વિસ્તાર હોવાથી સાપર-વેરાવળમાં રાત્રિના સમયે આવા અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસ આ તોડફોડ કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો