Video/ લગ્ન પ્રસંગોમાં દેખાદેખી બંધ કરો: ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે ઘડ્યું સામાજિક બંધારણ
સમાજમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરવા અને શિક્ષણ તેમજ સમરસતાને પ્રોત્સાહ


સમાજમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરવા અને શિક્ષણ તેમજ સમરસતાને પ્રોત્સાહન આપવા માટે હવે ઠાકોર સમાજે કમર કસી છે. પાટણ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજ માટે એક સર્વસંમતિથી સમાજ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ બંધારણના સમર્થનમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા.
કુરિવાજો અને દેખાદેખી પર અંકુશ
આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે સમાજે પોતાની પરંપરાઓમાં સુધારો લાવવો અનિવાર્ય છે. તેમણે સોશિયલ મીડિયાના યુગમાં વધી રહેલી 'દેખાદેખી' અને લગ્ન પ્રસંગોમાં થતા તોતિંગ ખર્ચાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. ગેનીબેને ભાર પૂર્વક કહ્યું કે, લગ્ન પ્રસંગો સાદગીથી થવા જોઈએ જેથી મધ્યમ અને મજૂર વર્ગ પાયમાલ ન થાય. પક્ષાપક્ષીથી દૂર રહીને સમાજે એકતાના સૂત્રમાં બંધાવું પડશે. જો કોઈ આ બંધારણનો ભંગ કરશે, તો સમાજના અન્ય લોકોએ તેમના પ્રસંગોમાં હાજરી ન આપીને સામાજિક સજા આપવી જોઈએ.
4 જાન્યુઆરી: દિયોદર ખાતે ઐતિહાસિક સંમેલન
આજે નક્કી થયેલા આ બંધારણને સત્તાવાર રીતે આગામી 4 જાન્યુઆરી, 2026 ના રોજ દિયોદર સ્થિત ઓગડજી ધામ ખાતે યોજાનારા વિશાળ ઠાકોર સંમેલનમાં રજૂ કરવામાં આવશે. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હાજર રહે તે માટે પાટણના સંમેલનમાં વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
નેતૃત્વ અને સંકલ્પ
પાટણના સંમેલનમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર સહિતના આગેવાનોએ સમાજને શિક્ષણ તરફ વળવા અને કુરિવાજો ત્યાગવા અપીલ કરી હતી. પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આ નવા બંધારણના પાલન માટે સામૂહિક સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.







