VIDEO: રાજ ટેક્સટાઈલની આગ 12 કલાકની ભારે જહેમત બાદ આવી કાબૂમાં, 5 ફાયરના જવાનો થયા ઈજાગ્રસ્ત
સુરતના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર આખરે 12 કલાકની ભારે જહેમત
સુરતના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર આખરે 12 કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ 7મા માળેથી 6ઠ્ઠા માળ સુધી પ્રસરી હતી, જેને બુઝાવવા માટે 150 જેટલા ફાયર જવાનોએ જીવના જોખમે કામગીરી કરી હતી.આ મેગા ઓપરેશનમાં હાઈડ્રોલિક ક્રેનની મદદથી ઉપરના માળ સુધી પાણીનો મારો ચલાવાયો હતો, જેમાં અંદાજે 20 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો છે. આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને બચાવ કામગીરી દરમિયાન 5 ફાયર જવાનો ઈજાગ્રસ્ત થયા છે. હાલ આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે અને સ્થળ પર કુલિંગની કામગીરી ચાલી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના ત્રણ માળમાં આગ લાગી હતી. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ હાજર હતી અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
22થી વધુ ફાયરની ગાડીઓ હાજર
ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. સદ્ભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.








