મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ પિલ્લર ગાયબ, સિમેન્ટ ઓછો અને ઇંટો ક્ષારવાળી: પાટણના અદગામમાં આરોગ્ય કેન્દ્રના કામમાં ભ્રષ્ટાચારની ગંધ

પાટણ જિલ્લાના સમી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ અદગામ–જાખેલ જૂ

પાટણ જિલ્લાના સમી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ અદગામ–જાખેલ જૂથ ગ્રામ પંચાયતમાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂર કરાયેલા સબ સેન્ટરના નિર્માણમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટેરિયલ વપરાતું હોવાનું જણાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ચાલુ કામ અટકાવી દઈ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

વર્ષોની પ્રતીક્ષા બાદ મળેલી સુવિધામાં ભ્રષ્ટાચારની ગંધ

અદગામ જેવા અંતરિયાળ વિસ્તારમાં આઝાદીના વર્ષો બાદ પણ આરોગ્યની પૂરતી સુવિધા નહોતી. લાંબા સમયની માંગણી બાદ સરકારે સબ સેન્ટર મંજૂર કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી. બાંધકામ શરૂ થતાની સાથે જ તેની નબળી ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

પિલ્લર વગરનું બાંધકામ અને ક્ષારવાળી ઇંટો

સ્થાનિક રહેવાસી પ્રભુભાઈ ઠાકોર અને હરિભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાંધકામમાં એક પણ પિલ્લર બનાવવામાં આવ્યો નથી અને દિવાલોમાં ક્ષારવાળી ઇંટો તેમજ ઓછો સિમેન્ટ વાપરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવું નબળું બાંધકામ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

સરપંચે એન્જિનિયરને પત્ર લખ્યો

કામગીરીમાં સ્પષ્ટ ગેરરીતિ દેખાતા ગ્રામ પંચાયતના સરપંચે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે સંબંધિત એન્જિનિયરને લેખિત પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી છે. અગાઉ કોન્ટ્રાક્ટરને મૌખિક અને લેખિત સૂચના આપી કામ બંધ રાખવા જણાવાયું હતું, તેમ છતાં ફરીથી નબળી કામગીરી શરૂ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ બમણો થયો છે.

આ સમાચાર શેર કરો