મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવથી ફફડાટ, એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં ₹59.68 કરોડની જંગી વસૂલાત

રાજકોટ: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે હાથ

રાજકોટ: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવને પગલે વીજ ગ્રાહકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્રની કડક કાર્યવાહીના ડરથી બાકીદારોમાં દોડધામ મચી ગઈ છે, જેના પરિણામે માત્ર એક જ દિવસમાં કરોડો રૂપિયાની વસૂલાત થઈ છે.

એક જ દિવસમાં ₹59.68 કરોડની વસૂલાત

સૌરાષ્ટ્રભરમાં PGVCL દ્વારા ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં ગ્રાહકોએ કુલ 59.68 કરોડ રૂપિયાના વીજ બિલોની ચુકવણી કરી છે. તંત્રએ બાકીદારો સામે લાલ આંખ કરતા ગ્રાહકો પોતાના કનેક્શન કપાઈ ન જાય તે માટે વીજ બિલ ભરવા કચેરીઓ પર દોડી આવ્યા હતા. કુલ વસૂલાત પૈકી 20.14 કરોડ રૂપિયાના બાકી બિલો ગ્રાહકોએ ડ્રાઇવના ભયથી ભર્યા છે.

રાજકોટ સર્કલમાં સૌથી મોટો સપાટો

રાજકોટ સર્કલમાં PGVCLની ટીમોએ સૌથી આક્રમક કામગીરી કરી છે. રાજકોટ સર્કલમાં એક જ દિવસમાં 9.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. બાકીદારો સામે કડક કાર્યવાહી કરીને હજારો વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

રી-કનેક્શન ચાર્જથી લાખોની આવક

કડક કાર્યવાહી હેઠળ જે ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, તે પૈકી 18,950 ગ્રાહકોએ ફરીથી વીજ જોડાણ મેળવવા માટે રી-કનેક્શનની અરજી કરી છે. આ પ્રક્રિયા દ્વારા PGVCLને માત્ર રી-કનેક્શન ચાર્જ પેટે 29.74 લાખ રૂપિયાની વધારાની આવક થઈ છે.

બાકીદારોમાં ફફડાટ

PGVCL દ્વારા જે રીતે અચાનક અને મોટા પાયે ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, તેનાથી લાંબા સમયથી બિલ ન ભરતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને જે ગ્રાહકોના બિલ બાકી હશે તેમના કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો