Video/ પાટણ-રાધનપુર હાઈવે લોહિયાળ: ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અલ્ટો કાર ઘૂસી જતાં ચાલકનું કમકમાટીભર્યું મોત
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્ય
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. મોટીપીપળી-વારાહી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અચાનક બ્રેક વાગી અને કાળ સર્જાયો
મળતી વિગતો અનુસાર, મોટીપીપળી અને વારાહી હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારી હતી. આ સમયે ટ્રેક્ટરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કારના ચાલક કઈ સમજે તે પહેલા જ કાર ધડાકાભેર ટ્રોલીના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
કાર ચાલકનું મોત, ચાર ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં કાર ચાલક વાઘાભાઇ પુનાભાઇ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાધનપુરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ટ્રેક્ટર ચાલક ફરાર, પોલીસ તપાસ તેજ
ઘટના બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રોલી સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતા જ રાધનપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. રાધનપુર પોલીસે ફરાર અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે મૃતક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






