હાથીને મહાવત દ્વારા ફટકા મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ, શું થશે કાર્યવાહી?
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં મંદિરના 17 જેટલા હાથી પણ જોડાયા હતા. જેમાં એક નર અને
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં મંદિરના 17 જેટલા હાથી પણ જોડાયા હતા. જેમાં એક નર અને બાકીના માદા હાથી હતા. રથયાત્રા ખાડીયામાંથી પસાર થતી હતી. તે સમયે ઉંચા અવાજે વાગતા ડીજે મ્યુઝીકના કારણે એક નર હાથીની સાથે અન્ય બે માદા હાથી ભડકી ગયા હતા અને બેકાબુ બનીને દોડધામ કરવા લાગ્યા હતા. આ સમયે પાંચ જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે પ્રાણીઓને કાબુમાં રાખવા માટે લેવામાં આવેલી ટીમ દ્વારા હાથીને ઇન્જેક્શન આપીને કાબુમાં લીધા હતી અને ત્રણેય હાથીને રથયાત્રામાંથી બાકાત રાખીને મંદિર પરત લઇ જવામાં આવ્યા હતા.
આ બનાવ બાદ શનિવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં મહાવત હાથીને બેફામ લાકડી કે પાઇપ વડે ફટકા મારે છે અને હાથીને સાંકળથી બાંધેલો હોવાથી તે બચવા માટે સતત પ્રયાસ કરે છે. પરંતુ, મહાવત હાથીને પેટ પર, પગ પર બેરહેમીપૂર્વક માર મારતો હતો. ત્યારબાદ તે હાથીની સુંઢ પર પણ અનેક ફટકા મારે છે. આમ, 45 સેકન્ડના વીડિયોમાં 19 જેટલા ફટકા મારે છે. જેમાં છેલ્લા ફટકામાં તો હાથી રીતસરનો નીચે ફસડાઇ પડે તેવી સ્થિતિ જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણી પ્રેમીઓમાં તેમજ ભગવાન જગન્નાથજી મંદિરમાં દર્શન કરવામાં આવતા લોકોમાં રીતસરનો રોષ જોવા મળી રહ્યો હતો અને નિર્દોષ હાથીને મારનાર મહાવત જ નહી પણ મંદિરના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ સી વી ગોસાઇએ જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસે ગંભીર નોંધ લીધી છે અને જગન્નાથજી મંદિર પ્રશાસન પાસેથી રિપોર્ટ મંગાવીને સમગ્ર ઘટના અંગે માહિતી મંગાવી છે કે વીડિયોક્યાં સમયનો છે.? જે હાથીને મારવામાં આવી રહ્યો છે. તે હાથી રથયાત્રામાં બેકાબુ બનેલો હાથી હતો કે નહી? અને તેને મારનાર મહાવત કોણ છે? આ બાબતે હજુ સુધી મંદિર તરફથી કોઇ જવાબ નથી મળ્યો પણ પોલીસ સમગ્ર વિગતો તપાસીને ખરાઇ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત, કેટલીક સંસ્થાઓ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કે મહાવતની સાથે અન્ય જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે વિડીયોના ઘેરા પ્રત્યાઘાત પણ પડયા છે.
હાથીને મારવા મામલે કયા કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે?
રથયાત્રામાં રહેલા હાથીનું બેકાબુ બનવાનું કારણે ઉંચા અવાજે વાગતા ડીજે હતા. તેમ છતાંય, હાથી જીવ માટે જોખમી છે અને તોફાની છે. તેવું જણાવવામાં આવ્યું. ત્રણેય હાથીને રથયાત્રામાંથી બાકાત રાખવાના નિયમ મુજબ તેને કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ, હાથીને મારવાના મામલે આકરી કાર્યવાહી થઇ શકે છે. જેમાં પ્રાણી ક્રુરતા પ્રતિંબંધિત અનિધિનીયમ 1960ની કલમ 11 મુજબ પ્રાણીને મારવુ, દુખ આપવુ તે ગુનાહિત બાબત છે. કલમ 11 (1) (ડી) મુજબ પ્રાણીને મુશ્કેલી થાય તે રીતે તેનું પરિવહન કરવુ અને કલમ 11 (2) યોગ્ય દેખરેખ ન રાખવી તે ગુનો બને છે. આ ઉપરાંત, વન્ય પ્રાણી સરંક્ષણ અધિનિયમ 1972 અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ ગુનો નોંધાઇ શકે છે.







