મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ કેમિકલને રામ-રામ! શહેરાના વલ્લવપુરના ખેડૂત ગાય આધારિત ખેતીથી શૂન્ય ખર્ચે મેળવી રહ્યા છે મબલક નફો

પંચમહાલ: આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને દવાઓના આડેધડ ઉપયોગને કારણે જમીનન

પંચમહાલ: આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને દવાઓના આડેધડ ઉપયોગને કારણે જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના એક ખેડૂતે નવી રાહ ચીંધી છે. ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવી છે અને આજે તેઓ અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

કેવી રીતે થઈ શરૂઆત?

નરેન્દ્રસિંહ જણાવે છે કે, અગાઉ તેઓ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં મોંઘા ખાતરો અને કેમિકલયુક્ત દવાઓ પાછળ મોટો ખર્ચ થતો હતો. વધુ પડતા રાસાયણિક ઉપયોગથી જમીન એટલી કઠણ થઈ ગઈ હતી કે ટ્રેક્ટરથી ખેડ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. 5 વર્ષ પહેલાં તેમણે 'આત્મા' પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી અને ત્યાંથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી શરૂ કરવાનો નિર્ણય કર્યો.

શૂન્ય ખર્ચ, મબલક ઉત્પાદન

નરેન્દ્રસિંહ હવે બજારમાંથી મોંઘા ખાતર લાવવાને બદલે ઘરઆંગણે જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કુદરતી રસાયણો બનાવે છે. જીવામૃત, બીજમૃત, ઘનામૃત. 

આ કુદરતી પદ્ધતિથી ખેતી કરવાને કારણે તેમના ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થયો છે અને ઉત્પાદનની ગુણવત્તામાં અનેકગણો સુધારો આવ્યો છે.

વિવિધ પાકોનું સફળ ઉત્પાદન

નરેન્દ્રસિંહ પોતાના ખેતરમાં માત્ર અનાજ જ નહીં, પરંતુ શાકભાજીનું પણ મોટા પાયે ઉત્પાદન કરે છે. તેમના ખેતરમાં અત્યારે, 

અનાજ: ઘઉં, મકાઈ, બાજરી અને ચણા.

શાકભાજી: ટામેટા, મરચી, રીંગણ, ડુંગળી, બીટ, મેથી અને પાલક.

મસાલા: હળદર.

પશુ આહાર: પશુઓ માટે પૌષ્ટિક ઘાસચારો.

જમીન બની ફળદ્રુપ અને પોચી

પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો જમીનને થયો છે. નરેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, "કેમિકલ બંધ કરવાથી ખેતરમાં અળસિયાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે જમીન પોચી અને ફળદ્રુપ બની છે. હવે ખેતી ઉત્પાદન સામાન્ય કરતા વધુ અને ઝેરમુક્ત મળે છે."

સરકારી યોજનાઓનો સાથ

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અને 'આત્મા' પ્રોજેક્ટ હેઠળ મળતી સાધન સહાયનો પણ તેમણે લાભ લીધો છે. આજે તેઓ માત્ર પોતે જ આર્થિક રીતે સધ્ધર થયા નથી, પરંતુ આસપાસના ગામના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો