Video/ ત્રણ વર્ષ, એક રૂમ અને 40 બાળકો... કાંધા ગામમાં શાળાના 4 ઓરડા બનાવવા માટે બજેટ નથી?
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામે શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં જિલ્લા પંચ
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામે શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી જર્જરીત હોવા છતાં નવું બિલ્ડિંગ બનાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પરિણામે, છેલ્લા બે વર્ષથી ધોરણ 1 થી 5 ના 40 થી વધુ ભૂલકાઓ ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવનના માત્ર એક જ રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
એક જ રૂમમાં 5 ધોરણ: શિક્ષણના લીરેલીરા
શાળાના ઓરડાઓ જર્જરીત બની જતા શાળાનું સ્થળાંતર રાજીવ ગાંધી ભવનમાં કરવામાં આવ્યું હતું. અહીં માત્ર એક જ રૂમ હોવાથી પાંચેય ધોરણના બાળકોને એકસાથે બેસાડવામાં આવે છે. એક તરફ સરકાર ગુણોત્સવ અને ડિજિટલ શિક્ષણની વાતો કરે છે, ત્યારે બીજી તરફ અહીં એક જ ઓરડામાં પાંચ ધોરણના બાળકો કેવી રીતે ભણતા હશે તે મોટો સવાલ છે.
તળાવ કિનારે મોતનું જોખમ
આ કામચલાઉ શાળા તળાવના કિનારે આવેલી છે. શાળાએ જવાનો રસ્તો અત્યંત ઢાળવાળો અને જોખમી છે. બાળકો રમતા-રમતા ગમે ત્યારે તળાવમાં ખાબકી શકે તેવી ભયાનક સ્થિતિ છે. વાલીઓમાં સતત ફફડાટ વ્યાપેલો રહે છે કે ક્યાંક તેમના વ્હાલસોયા સાથે કોઈ મોટી દુર્ઘટના ન ઘટી જાય.
રજૂઆતો બધે કરી, પણ સાંભળે છે કોણ?
ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમણે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં બે વર્ષ વીતી ગયા હોવા છતાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા નવી શાળાના ઓરડા બનાવવાની તસ્દી લેવામાં આવી નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?







