મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ જેલ તંત્ર પર ગંભીર સવાલો, દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈની સેપરેટ બેરેકમાંથી મોબાઈલ, બેટરી અને સીમકાર્ડ જપ્ત

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે, જ્યાં દુષ્કર્મ કેસમાં આજીવન

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે, જ્યાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી નારાયણ સાંઈની સેપરેટ બેરેકમાંથી ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન, બેટરી અને સીમકાર્ડ મળી આવતાં જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, લાજપોર જેલની સ્કોડને બાતમી મળી હતી કે નારાયણ સાંઈ તેની સેપરેટ ખોલીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે જેલ પ્રશાસને તત્કાળ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન, નારાયણ સાંઈની બેરેકમાં રહેલા દરવાજા સાથે ચુંબક (Magnet) વડે ચોંટાડેલી સ્થિતિમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ ત્યારે વધુ આશ્ચર્યચકિત થયા જ્યારે ફોન અને તેના આનુષંગિક સાધનો જેલની અંદર અલગ-અલગ ગુપ્ત સ્થળોએ છુપાવેલા મળી આવ્યા:

મોબાઈલ બેટરી: બેરેકના દરવાજાના નકૂચા (Hook) પાછળ છુપાવેલી મળી આવી.

સીમકાર્ડ: જે નારાયણ સાંઈ સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લે છે તે ઈનહેલર (Inhaler) ના પ્લાસ્ટિક પાઉચમાં છુપાવેલું જિયો (Jio) કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું.

આ ત્રણેય વસ્તુઓ એકસાથે એક જ સ્થળે રાખવાને બદલે અલગ-અલગ જગ્યાએ છુપાવવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ સાધનોને છુપાવવા માટે એક સુનિયોજિત પ્રયાસ કરાયો હતો.

સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

નારાયણ સાંઈની બેરેકમાંથી ગેરકાયદેસર મોબાઈલ ઉપકરણો મળી આવતા, આ મામલે સચિન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

જેલ સુરક્ષા સામે ગંભીર સવાલો

આ ઘટનાએ લાજપોર જેલની આંતરિક સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એસીપી સૂરત દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં  આ મોબાઈલ ફોન, બેટરી અને સીમકાર્ડ જેલની અત્યંત સુરક્ષિત સેપરેટ સેલ સુધી કેવી રીતે પહોંચ્યા?  નારાયણ સાંઈને જેલ સ્ટાફમાંથી કોણે મદદ કરી હતી?  આ ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવ્યો હતો અને કોની સાથે વાતચીત કરવામાં આવી હતી? જેવા વવિધ મુદ્દા પર તાપસ કરવામાં આવશે. 

આ મામલો ફરી એકવાર જેલ મેન્યુઅલના કડક પાલન અને સુરક્ષાની વ્યવસ્થા પર પ્રકાશ પાડે છે, જ્યાં હાઈ-પ્રોફાઇલ કેદીઓને પણ ગુપ્ત રીતે આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ થાય છે.

આ સમાચાર શેર કરો