મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 22 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર, મેયર દક્ષેશ માવાણી સ્થળ પર પહોંચ્યા

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટ

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

22થી વધુ ફાયરની ગાડીઓ હાજર

ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. હાલ 22 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

માર્કેટમાં કાપડનો જથ્થો અને તેમાં પણ મોટા ભાગનો સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. સિન્થેટિક કાપડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત કરવી પડી રહી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો આગને અન્ય દુકાનો અને માળખામાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે

પોલીસ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. આગની ઘટનાના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ તેમજ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકોને પોલીસ અને ફાયર વિભાગને સહયોગ માટે વિનંતી કરવામાં આવી રહી છે.

સુરતના મેયર દક્ષેશ માવાણી સ્થળ પર, ફાયર અધિકારીઓ પાસેથી મેળવી માહિતી

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટનાની ગંભીરતાને જોતાં, શહેરના મેયર દક્ષેશ માવાણી તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ સ્થળની મુલાકાત લીધી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાયર અધિકારીઓ પાસેથી આગની સ્થિતિ, કાબૂ મેળવવા માટે ચાલી રહેલા પ્રયાસો અને નુકસાન અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન મેયરને જાણવા મળ્યું કે માર્કેટમાં ધૂમાડાનું પ્રમાણ (સ્મોક) ખૂબ જ વધારે છે, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. મેયરે આ ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવા અને સુરક્ષાના પગલાં લેવા માટે સૂચનાઓ આપી હતી.

આ સમાચાર શેર કરો