Video: Vapi નજીક સલવાવ ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
ગુજરાતના વાપી શહેર નજીક આવેલા સલવાવ ગામમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હ
ગુજરાતના વાપી શહેર નજીક આવેલા સલવાવ ગામમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગામમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના મોડી રાત્રીના બની હતી. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. પરિણામે, એક નહીં પણ એકસાથે ત્રણથી ચાર ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.
ભંગારના ગોડાઉનમાં આગની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચાલુ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભંગારના ગોડાઉનોમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે.





